Mysamachar.in-જામનગર
જ્યારે કોઈપણ ચુંટણીઓ આવતી હોય ત્યારે ચુંટણીપંચના નિયમો પ્રમાણે જે ઉમેદવારો ચુંટણી મેદાને ઉતરે તે ઉમેદવારોએ ચોક્કસ વિગતો સાથેના એફિડેવિટ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવાના હોય છે જે જાહેર ડોક્યુમેન્ટ હોય છે જેને કોઈપણ વ્યક્તિ આસાનીથી જોઈ શકે છે. જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા સહિતના અન્ય ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ પોતાના એફિડેવિટ એટલે કે સોગંદનામાઓ રજૂ કર્યા છે.
ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું એફિડેવિટ કહે છે: તેઓ જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના નોંધાયેલા મતદાર છે. અને તેઓના પાછલાં પાંચ વર્ષના આવકવેરા રિટર્ન પૈકી નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન તેઓએ વધુમાં વધુ વાર્ષિક આવક તરીકે રૂ. 1,88,57,670 ની આવક દર્શાવી છે. તેઓએ આ પાંચ વર્ષ દરમિયાન ઓછામાં ઓછી વાર્ષિક આવક વર્ષ 2018-19માં રૂ. 71,46,950 દર્શાવી છે.
તેઓના જીવનસાથી પરમિંદર કુમારે આ પાંચ વર્ષ દરમિયાન વર્ષ 2020-21માં વધુમાં વધુ વાર્ષિક આવક તરીકે રૂ. 4,94,46,930 અને ઓછામાં ઓછી વાર્ષિક આવક તરીકે વર્ષ 2018-19માં રૂ. 4,02,58,020 દર્શાવી છે. ઉમેદવાર પૂનમબેન માડમ વિરુદ્ધ એક પણ ફોજદારી કેસ નોંધાયેલ નથી. તેઓ 15-04-2024ના દિવસે હાથ પર રૂ. 3,52,731 ની રોકડ રકમ ધરાવે છે. આ ઉપરાંત તેઓ શેર અને બચતપત્રો વગેરેમાં લાખો રૂપિયાનું રોકાણ ધરાવે છે. તેઓ પાસે એક રૂ. 34 લાખની અને એક રૂ. 45 લાખની એમ 2 મોટર છે. રૂ. પોણાં ચાર કરોડની કિંમતનું સાડા પાંચ કિલો સોનું છે. રૂ. 52 લાખ જેટલી કિંમતના હીરા છે. રૂ. 19 લાખથી વધુની કિંમતની ચાંદી તથા 0.32 બોરની એક બેરેટા પિસ્તોલ સહિતની મૂવેબલ પ્રોપર્ટી છે. રૂ. 2.79 કરોડની ખેતીની જમીન, રૂ. 7.70 કરોડની કોમર્શિયલ મિલ્કત, રૂ. 53.88 કરોડની રહેણાંક મિલ્કતો ધરાવે છે. તેઓ કોઈ પણ પ્રકારના સરકારી દેણાં ધરાવતાં નથી.
ભાજપના પૂનમબેન માડમ સામે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પરસોતમભાઈ મારવિયાના એફિડેવિટની વિગતો કહે છે, તેઓએ પાછલાં પાંચ વર્ષના આવકવેરા રિટર્ન પૈકી સૌથી વધુ આવક વર્ષ 2022-23 માં રૂ. 4,93,540 દર્શાવી છે. તેઓ પર કોઈ ફોજદારી કેસ નથી. હાથ પર રોકડ રકમ રૂ. 3 લાખ અને તેઓના પત્ની ઉર્મિલાબેન પાસે હાથ પર રોકડ રકમ રૂ. 2 લાખ છે. વ્યવસાયે વકીલ જે.પી.મારવીયા શેર વગેરેમાં રોકાણ ધરાવતાં નથી. એક મોટર અને એક સ્કૂટર ધરાવે છે. પાંચ તોલા સોનું ધરાવે છે. તેમના પત્ની દસ તોલા સોનું ધરાવે છે. ઉમેદવાર પિતા સાથે સંયુકત માલિકીની રૂ. અડધા કરોડ જેટલી કિંમતની ખેતીની જમીન ધરાવે છે. બિનખેતી જમીન ધરાવતાં નથી. ભાગીદારીમાં રાજકોટ ખાતે રૂ. 30 લાખની કિંમતની કોમર્શિયલ મિલ્કત ધરાવે છે. રહેણાંક મિલ્કત ધરાવતાં નથી. તેઓ કોઈ પણ પ્રકારના સરકારી દેણાં ધરાવતાં નથી. શૈક્ષણિક પદવીઓ ઘણી ધરાવે છે. કાલાવડ તાલુકાના નિકાવાના રહેવાસી જે.પી.મારવીયા 17 વર્ષથી વકીલાત કરે છે. તેઓ ચાર વર્ષથી નોટરી વ્યવસાય પણ કરે છે.
(બન્ને ઉમેદવારોના એફિડેવિટમા દર્શાવેલ વિસ્તૃત વિગતોમાંથી કેટલીક મહત્વની વિગતોનો અત્રે સમાવેશ કરેલ છે)