Mysamachar.in-રાજકોટ:
રેલ્વે પણ કેન્દ્રીય વિભાગ હોવાથી, આ વિભાગમાં પણ કેટલાંક પરપ્રાંતીય અધિકારીઓ ગુજરાતમાં ચિક્કાર નાણાં બનાવી રહ્યા છે. જે પૈકી અમુક અધિકારીઓ વિવિધ કેન્દ્રીય તપાસનીશ એજન્સીઓની હડફેટ ચડી જતાં હોય છે. રાજકોટ રેલ્વેના એક તત્કાલીન ઈજનેરનો વારો ચડી ગયો છે. આ દંપતિ તથા તેના સ્વજનોના નામે નોંધાયેલી કરોડો રૂપિયાની મિલકતો ED દ્વારા જપ્ત કરવામાં આવી છે.
આ અધિકારીનું નામ વેદપ્રકાશ શ્રીવાસ્તવ છે, તેના નામે, તેની પત્ની વિભાના નામે અને તેના કેટલાંક પરિવારજનોના નામે માત્ર ગુજરાતમાં જ, 22 મિલકતો નોંધાયેલી છે. કરોડો રૂપિયાની આ મિલકતો હાલ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ અધિકારી કોન્ટ્રાક્ટરો સહિતના લોકો પાસેથી લાંચ લેતો હતો, તેવી વિગતો બહાર આવી છે. તેની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિઓ ધરાવવાનો ગુનો ACB દ્વારા દાખલ થયેલો હતો. ત્યારબાદ, ED દ્વારા આ કાર્યવાહીઓ કરવામાં આવી છે. આ શખ્સે પુષ્કળ મની લોન્ડરીંગ કર્યું હોવાની વિગતો પણ રેકર્ડ પર આવી છે.
આ અધિકારીના FD સહિતના બેંક એકાઉન્ટની વિગતો પણ બહાર આવી છે. આ અધિકારી વિરુદ્ધની પ્રથમ FIR મધ્યપ્રદેશના જબલપુર ખાતે દાખલ થઈ હતી. ત્યારબાદ CBI હસ્તકની ACB વિંગે કાર્યવાહીઓ કરી અને પછી હવે ED દ્વારા કાર્યવાહીઓ શરૂ થઈ. આ અધિકારીએ રાજકોટ નોકરી દરમ્યાન પણ કોન્ટ્રાક્ટરો પાસેથી ઘણાં નાણાં ઉસેડી લીધાં હતાં.
























































