Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર જિલ્લામાં રાશનકાર્ડધારકો માટેની e-KYC કામગીરીઓ આગળ વધી રહી છે, મોટાભાગના કાર્ડધારકોએ આ સુધારાઓ કરાવી લીધાં છે અને બાકી રહેલાં લોકોએ આ સુધારાઓ ફરજિયાતપણે કરાવવાના રહેશે, એમ જિલ્લા પૂરવઠા તંત્રએ જણાવ્યું છે.
આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પૂરવઠા અધિકારી એસ.ડી.બારડએ જણાવ્યું છે કે, જામનગર જિલ્લામાં રાશનકાર્ડધારકો પૈકી 80.11 ટકા કાર્ડધારકોએ e-KYC કરાવી લીધું છે અને જે લોકોએ હજુ સુધી આ કામગીરીઓ કરાવી નથી તેઓ જ્યારે સસ્તા અનાજની દુકાન પર જશે ત્યારે તેમણે આ કામ કરાવી લેવાનું રહેશે. આ કામ ઘરે બેઠાં ઓનલાઈન પણ થઈ શકે છે. જે લોકોના e-KYC બાકી હશે તેમના e-KYC કરી આપી, તેમને પણ અનાજનો જથ્થો મળવાપાત્ર છે. કોઈ પણ દુકાનદાર આ જથ્થો આપવાની ના પાડી શકશે નહીં, e-KYC કરી આપવાનું રહેશે.

આ ઉપરાંત DSO એ એમ પણ જણાવ્યું કે, હાલ સસ્તા અનાજની દુકાનો પર ઓનલાઈન કામગીરીઓ માટે જે L 0 મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તે 31/05થી બંધ થઈ જશે અને દુકાનદારે L 1 મશીન વસાવવાનું છે. ઘણાં દુકાનદાર આ નવું મશીન વસાવી ચૂક્યા છે, એમ DSO એ અંતમાં જણાવ્યું.
