Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
પશ્ચિમ ભારતના છેવાડે આવેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકાનગરી યાત્રાધામ તરીકે જગવિખ્યાત છે. વર્ષ દરમ્યાન અહીં દેશવિદેશમાંથી લાખો ભાવિકો અને સહેલાણીઓ મુલાકાત લ્યે છે, આ ઉપરાંત વર્ષ દરમિયાન અહીં અનેક મહાનુભાવો પણ સરકારી અને ખાનગી મહેમાનો તરીકે પધારે છે. સમગ્ર જગતના ધણી તરીકે વિશ્વભરમાં વિખ્યાત ઠાકોરધણીની આ નગરી, સ્થાનિક સ્તરે ધણીધોરી વગરની હોય એવો દુખ:દ ઘાટ છે, જાણે કે અહીં નગરપાલિકાનું કોઈ અસ્તિત્વ જ ન હોય, એવી નધણિયાતી સ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને નારાજગીઓ જોવા મળે છે.
દ્વારિકા નગરીમાં દર વર્ષે લાખો લોકો મુલાકાતીઓ તરીકે આવે છે ત્યારે આ નગરીની દુર્દશા નિહાળી આઘાત પામે છે. લાખો લોકોને એ વાતનું પણ અચરજ છે કે, દુનિયાભરમાં જાણીતાં આ શહેરની આવી હાલત ?! દેશના તમામ રાજ્યો અને વિદેશોમાંથી અહીં આવતાં ભક્તો અને પ્રવાસીઓ શહેરની આ સ્થિતિ વર્ષોથી નિહાળી રહ્યા છે અને તેને કારણે યાત્રાધામ તથા ગુજરાતની પ્રતિષ્ઠાને બટ્ટો લાગી રહ્યો છે. લાખો લોકો ભારે અવ્યવસ્થાઓને કારણે નારાજગીઓ વ્યક્ત કરે છે.
દ્વારિકા નગરીમાં સમગ્ર શહેરમાં અને ધર્મસ્થાનકો તરફ જવા આવવાના માર્ગો અને ધર્મ સ્થાનોની આસપાસ કયાંય ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા નથી. પાલિકા તંત્ર આ મુદ્દે સંપૂર્ણ બેદરકારીઓ દાખવે છે, તેથી સ્થાનિકો ઉપરાંત લાખો મુલાકાતીઓ નારાજ છે. ઠેરઠેર ગંદકી, કચરાના ઢગ, પશુઓના મળમૂત્ર, કચરો બની ગયેલો લીલો ચારો, ઉભરાતી અને બ્લોક થઈ ગયેલી ગટરો અને સારી રીતે સફાઈ ન પામતાં મુખ્ય અને આંતરિક રસ્તાઓ- આ બધી બાબતોને કારણે પાલિકા પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
લાખો મુલાકાતીઓના હજારો વાહનોની અવરજવરને કારણે વારંવાર સર્જાતા ભારે ટ્રાફિક જામ, વાહનો પાર્ક કરવા માટેની યોગ્ય જગ્યાઓ તથા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળતો હોય શહેરના નાગરિકો આ અંધેરથી ત્રાહિમામ્ પોકારી ગયા છે, બહારથી આવતાં વાહનોના ચાલકો અને મુસાફરો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે.
ઠેરઠેર રખડતાં પશુઓ, પશુઓની આંતરિક લડાઈ, પશુઓને કારણે સર્જાતા અકસ્માત અને પશુઓને કારણે સ્થાનિક અને મુલાકાતીઓમાં જોવા મળતું ભય ફફડાટનું વાતાવરણ આ યાત્રાધામમાં કાયમી બાબત બની ગઈ છે. દ્વારકા નગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની ઉદાસીનતા અને બેદરકારીઓને કારણે સમગ્ર શહેર જાણે કે નધણિયાતું હોય એવી હાલત છે. મંદિર આસપાસ તથા સમગ્ર શહેરમાં હંગામી અને કાયમી દબાણો અને બેસુમાર ગેરકાયદે બાંધકામ તથા સલામત રીતે ચાલવા માટેની જગ્યાઓનો અભાવ વગેરે કારણે આ યાત્રાધામ સમસ્યાઓનું ધામ બની ગયું હોય એવી હાલત છે. યાત્રાધામ વિકાસની વર્ષો જૂની વાતો વચ્ચે અહીં સમસ્યાઓની ભરમાર છતાં કોઈના પેટનું પાણી હલતું ન હોય, હજારો સ્થાનિકો અને લાખો મુલાકાતીઓ ભારે ત્રસ્ત છે. નગરજનો ઈચ્છી રહ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીની હવે કાયાપલટ થાય અને સ્થાનિકો તથા ભાવિકો અને પ્રવાસીઓ માટે વધુને વધુ સુવિધાઓ વિકસે અને કાયમી તથા પારાવાર તકલીફોમાંથી કાયમી છૂટકારો મળે. આવું થશે ? કોણ કરી દેખાડશે ? અસલી સવાલો આ છે.