Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ બેટદ્વારકા ખાતે આવતીકાલે 25મીએ વડાપ્રધાન આવી રહ્યા છે, વડાપ્રધાન દ્વારકામાં સભા પણ સંબોધવાના છે અને જગતમંદિરે દર્શન પણ કરવાના છે, એ સંદર્ભે છેલ્લા કેટલાંક દિવસોથી એવો પ્રચાર કરવા-કરાવવામાં આવી રહ્યો છે કે, તમામ તંત્રો રાતદિવસ જોયા વિના ભારે તૈયારીઓ કરે છે, સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પણ ટનાટન ગોઠવવામાં આવી છે. આ બધાં જ પ્રચારનો ફુગ્ગો કાલે શુક્રવારે ફૂટી ગયો. એક આખલાએ મચાવેલી દોડધામને કારણે બધાં જ ઉઘાડા પડી ગયા અને ખાસ કરીને નગરપાલિકા કેવી રીતે કામ કરી રહી છે, એ વધુ એક વખત બહાર આવી ગયું. પાલિકા તંત્ર માત્ર વાતો જ કરી રહ્યું છે, આ હકીકત રેકર્ડ પર આવી ગઈ, વધુ એક વખત.
શુક્રવારે દ્વારકાના ગોમતીઘાટ પર ( જયાં દીવડાં પ્રગટાવી સૌ હરખાયા હતાં, વોટર પ્રોજેકશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજી સૌ હરખાયા હતાં) એક આખલાએ સાબિત કરી દીધું કે, તમારી સઘળી વ્યવસ્થાઓ ખોખલી અને દેખાડો છે.ગોમતીઘાટ પર મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી, આ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે, આ મોટી ભીડ વચ્ચે એક આખલો ધસમસતો આવી ચડ્યો અને નાસભાગ મચી ગઈ, સદનસીબે એવી દોડધામ ન થઈ કે કોઈનો જિવ જાય પરંતુ એ સાબિત થઈ જ ગઈ કે, સઘળી વ્યવસ્થાઓ ઉપરછલ્લી છે, કશુંક અચાનક બની જાય તો કોઈ કશું કરી શકે નહીં, સૌ ઘાંઘાવાંઘા બની રહે. ખાસ કરીને આ ઘટનામાં દેખાયું કે અઠવાડિયાથી રખડતાં પશુઓના નિયંત્રણ મામલે દોડધામ દેખાડતી દ્વારકા નગરપાલિકા બોદી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દ્વારકા પાલિકા વર્ષોથી બોદી જ છે, શહેરમાં ગંદકી, દબાણ અને અવ્યવસ્થાઓ તેના બોલતાં પુરાવાઓ છે. શુક્રવારે આખલો કાર્યક્રમ સ્થળ નજીક ઘૂસી ગયાની બેદરકારીનો વાયરલ થયેલો વીડિયો ઘણું કહી જાય છે. જવાબદારો સૌ આ મુદ્દે ચૂપ છે. યાત્રાધામ દ્વારકા શહેરમાં રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ કોઈના પણ માટે નવી વાત નથી, શુક્રવારની ઘટનામાં તો IG સહિતના અધિકારીઓએ પણ નાસભાગ વખતે વ્યવસ્થાઓ જાળવવા કસરત કરવી પડી તે જ દર્શાવે છે કે, ગૃહમંત્રીની હાજરીમાં આટલો મોટો જાહેર કાર્યક્રમ હોય ત્યાં પણ તંત્રો કોઈ જ પૂર્વ તૈયારીઓ કરતાં નથી અથવા આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા તેઓ સજ્જ અને સક્ષમ નથી.