Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
૫૦ હજારથી વધુ વસતી…૪૨ ગામો….રોજના હજારો યાત્રીકોવાળા દ્વારકા નગર અને તાલુકા માટે પાંચ કરોડના ખર્ચે બનેલ નવી હોસ્પિટલ હજુ પણ શોભાનો ગાંઠીયો છે, અને લોકાર્પણ બાદના મહિનાઓ દરમ્યાન રાજ્યના અને કેન્દ્રના મંત્રીઓ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી મુલાકાતે આવે ત્યારે પણ હોસ્પીટલ તરફ જોતા પણ નથી..અને સુવિધા પણ કરાવતા નથી, દ્વારકામાં સિવિલ હોસ્પિટલની નવી અને અદ્યતન ઇમારતનું લોકાર્પણ થોડાસમય પૂર્વે થયેલુ છે.બહારથી સારી દેખાઈ રહેલી આ હોસ્પિટલ ડોકટર વિહોણી હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.
દ્વારકામાં અદ્યતન હોસ્પિટલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે, અને ભારત સરકારના રક્ષા પ્રોગ્રામની ગાઇડ લાઇન મુજબ લેબરરૂમ બનાવવામાં આવ્યા છે, ત્રણ ઓપરેશન થીયેટર, ઇમરજન્સી સારવાર માટે અલાયદી વ્યવસ્થા રૂમ, દર્દીને દાખલ કરવા મોટા વોર્ડ, એસી સ્પેશીયલ રૂમ, કોન્ફરન્સ રૂમની સુવિધા રાખી છે અને ત્રણ માળની ઇમારત એકદમ સુવિધા સભર બનાવી છે. પરંતુ" દિવા તળે અંધારૂ" કહેવતને સાર્થક થતી અહી અનેક સમસ્યાઓ આવેલી છે. હોસ્પિટલનો લાભ અહીના 42 ગામો લઇ રહ્યા છે. દ્વારકા યાત્રાધામ હોવાથી અહી આવતા યાત્રાળુઓને પણ અનેક શારીરીક તકલીફો થતા આ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પરંતુ હોસ્પીટલમાં ખાટલે મોટી ખોટ તબીબો અને સ્ટાફ જ પૂરતા નથી… અહી ક્લાસ વન ઓફીસરની છ જગ્યા પૈકી એક ડોકટર છે. ક્લાસ ટુ ડોકટરોની ત્રણ જગ્યા પૈકી એકપણ ડોકટર નથી. મોટી હોસ્પિટલ હોવા છતા એક પણ ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ઓપરેટર નથી. વર્ષોથી ડેન્સીસ્ટની જગ્યા ખાલી પડેલી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ પર ધ્યાન અપાતું નથી
અહી ડોકટરોની જગ્યા ખાલી રહેતા હાજર હોય તે ડોકટરો પર કામનું ભારણ વધી જાય છે. નવ ડોકટરની જગ્યા સામે એક ડોકટર હોવાથી દ્વારકા તાલુકાના 42 ગામના દર્દીને પુરતુ ધ્યાન આપવામાં મુશ્કેલી પડે છે, ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનીશીયનની તાકીદે જરૂરીયાત છે. અહી ડોકટરો ન હોવાથી ગરીબ તથા મધ્યમવર્ગીય લોકોને સારવાર મળી શકતી નથી અને છેક જામનગર હોસ્પિટલ જવુ પડે છે અને ઇમરજન્સી સમયે દર્દી મૃત અવસ્થા સુધી પહોચી જાય છે. અહી બહારગામથી ડેપ્યુટેશન પર ડોકટર આવે છે. 24 કલાક માટે પોરબંદરથી અને ચોવીસ કલાક માટે જામનગરથી હાલ એક ડોકટર આવે છે. પરંતુ એક ડોકટર હોવાથી ઇમરજન્સી સારવાર માટે ખુબ તકલીફ પડતી હોવાના અનેક દાખલાઓ અનેકવાર સામે આવી ચુક્યા છે.