Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખનીજચોરી થવી એ ગુજરાતમાં કોઈ નવી બાબત નથી, એવામાં જામનગરને અડીને આવેલ દેવભૂમિ દ્વારકા ખનીજચોરો માટે મોકળું મેદાન છે, અને વર્ષે અહીથી જેટલી ચોરીના કેસ સામે આવે છે, તેનાથી વધુ ચોરી તો થઇ જતી હોવાનું પણ જાણકારો ઉમેરે છે, બોક્સાઈટ સહિતની કીમતી ખનીજો માટે દેવભૂમિ દ્વારકા ખનીજમાફિયાઓ માટે હોટ ફેવરીટ છે, એવામાં હાલમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ખનીજચોરી અંગેના પૂછવામાં આવેલ પ્રશ્નોમાં સ્ફોટક માહિતી સામે આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23383.04 લાખ વસુલવાના બાકી હોવાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે,
ગુજરાતમાં 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિએ ખનિજ ચોરો પાસેથી 1946.58 કરોડ જેટલી માતબર રકમ વસૂલવા કરવાની બાકી છે, ગુજરાત સરકાર હજુ આ રકમ વસૂલ કરી શકી નથી. ખનિજ ચોરી અંતર્ગત કરવામાં આવેલા દંડ પેટે માતબર રકમ વસૂલવાની બાકી છે, તે પૈકી બે વર્ષથી વસૂલવાની બાકી રકમ 907.70 કરોડ અને બે વર્ષ કરતાં વધુ સમયથી વસૂલવાની બાકી રકમ 1038.87 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે વિપક્ષના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે. વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે, ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરતાં પકડાય ત્યારે દંડની રકમ પણ ભરપાઈ કરતાં નથી અને રાજ્ય સરકાર અને તંત્ર આ દંડની રકમ વસૂલાતના હુકમો કરીને સંતોષ માને છે.રાજ્ય સરકાર દ્વારા જવાબમાં કહેવાયું છે કે, દંડની વસૂલાત માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે આ ઉપરાંત દંડ વસૂલાતના હુકમ કરાય છે, સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં 46758.54 લાખ, પોરબંદર જિલ્લામાં 46,302.17 લાખ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23383.04 લાખ, ગીરસોમનાથમાં 13301.31 લાખ રકમ ખનિજ ચોરી બદલ વસૂલવાની બાકી હોવાનું પણ આ આંકડાઓ પરથી સામે આવ્યું છે.