Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર હોય, સરકાર આ યાત્રાધામનો વિકાસ દ્વારકા કોરિડોર તરીકે કરી રહી છે, અહીં હવે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે કે, તમે ખાસ પ્રકારની સબમરીનમાં બેસી દરિયામાં 300 ફૂટ ઉંડેથી દ્વારકા દર્શન કરી શકશો. એમ માનવામાં આવે છે કે, આગામી જન્માષ્ટમી અથવા દીવાળી સુધીમાં આ સેવા શરૂ થઈ શકે છે. ગુજરાત સરકાર તથા મઝગાંવ ડોક વચ્ચે આ મુદ્દે કરાર પણ થયા છે જેની સતાવાર જાહેરાત આગામી જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થશે, એમ સૂત્ર કહે છે. ખાસ પ્રકારની આ સબમરીન (લંબચોરસ બોકસ)માં 24 યાત્રીઓ બેસી શકશે, જેમાં 6 ક્રૂ મેમ્બર્સ પણ હશે.
દરિયાની અંદર રહેલી દ્વારકાના દર્શન આ રીતે થઈ શકશે. આ સબમરીન યોજનાનું સંચાલન મઝગાંવ ડોક શિપયાર્ડ કરશે. કેન્દ્ર સરકાર દેશમાં વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોનો ખાસ યોજના અંતર્ગત વિકાસ કરી રહી છે જેના ભાગરૂપે દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કોરિડોર હેઠળ બેટ દ્વારકા નજીક ખાસ જેટી બનાવી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અહીં દેશનો નોંધપાત્ર કેબલ બ્રિજ પણ દરિયામાં બનાવવામાં આવ્યો છે. આ યોજના દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમાનો અનુભવ કરાવશે. દરિયાની અંદરની આ યાત્રા પ્રત્યેક ટ્રીપ માટે બે થી અઢી કલાકનો સમય લેશે એવું જાણવા મળે છે. આ માટેના ટિકિટના દર જો કે બહુ ઉંચા નહીં હોય પણ એ માટે સરકાર કદાચ સબસિડી યોજના લાવી શકે છે.
તમામ યાત્રીઓને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે, જેનું ભાડું ટિકિટમાં જ વસૂલી લેવામાં આવશે. આ સબમરીનનું વજન અંદાજે 35 ટન આસપાસ હશે જેને કારણે યાત્રા દરમિયાન દરિયામાં સ્થિરતા અને સુરક્ષાની ખાતરી મળશે. આ સબમરીનમાં A.C. તથા મેડિકલ કીટ સહિતની સુવિધાઓ અને કુદરતી પ્રકાશ જેવી વ્યવસ્થાઓ હશે જેને કારણે આ સબમરીનમાં બેઠેલાં લોકો દરિયાઈ વાતાવરણને દરિયાની અંદર રહી માણી શકશે. અહીં મોબાઇલ ફોન તથા વીડિયો કોન્ફરન્સની પણ સુવિધાઓ હશે. દરિયાઈ હલચલ, દરિયાઈ જીવો સબમરીનની અંદર સ્ક્રીન પર પણ જોઈ શકાશે.
રાજયના પ્રવાસન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી હારિત શુકલા કહે છે: રાજય માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. આ સબમરીન સંપૂર્ણપણે સ્વદેશી બનાવટની હોય, પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થશે. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રવાસ રહેશે જેથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.