Mysamachar.in-દ્વારકાઃ
એક તરફ દેશભરમાં સિટિઝનશિપ એક્ટ અને NRC મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ ગુજરાતમાં નવા કાયદાની અમલવારીનો પ્રથમ કિસ્સો દ્વારકામાં બન્યો છે. અહીં ક્લેક્ટર દ્વારા મૂળ પાકિસ્તાની પરંતુ વર્ષોથી દ્વારકામાં રહેતી મહિલાને ભારતની નાગરિક્તાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દ્વારકા ક્લેક્ટર નરેન્દ્ર મીણાના જણાવ્યા પ્રમાણે હસીનાબેન મૂળ દ્વારકાના રહેવાસી હતી, 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યા બાદ પાકિસ્તાની નાગરિક્તા મેળવી હતી, જો કે તેમના પતિના મોત બાદ તેઓ ફરીથી ભારતમાં રહેવા આવી ગયા. તેઓએ બે વર્ષ પહેલા ભારતની નાગરિક્તા માટે અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખી અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ખરાઇ કરવામાં આવી અને ગૃહમંત્રીની મંજૂરી મળ્યા બાદ તેઓને નાગરિક્તા આપવામાં આવી છે.
કલેક્ટર મીણાનું કહેવું છે કે અગાઉ નાગરિક્તા મેળવવામાં અનેક વર્ષોનો સમય લાગતો હતો, પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે, જેમાં અરજદાતાની ઓનલાઇન નોંધણી કરવામાં આવે છે, જેથી હવે માત્ર 6 મહિનામાં જ ભારતીય નાગરિક્તા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભલે NRCનો વિરોધ કરવામાં આવી રહ્યો હોય, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાતમાં આ નવા નિયમ લાગુ કરાશે. નવા કાયદાનો વિરોધ ગુજરાતમાં પણ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અમદાવાદમાં વિવિધ સંગઠનોએ બંધનું એલાન કર્યું છે, જેના ભાગરૂપે શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.