Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું સોનું આપી અને તેના પર લોન મેળવી લેવા સબબ કુલ 10 આસામીઓ સામે બેંકના મેનેજરે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસે આવેલી એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના રહીશ એવા યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયાએ દ્વારકામાં રહેતા ભલા નાથા ખાંભલીયા, એસ.કે. મુસ્તફા, અજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ (એક્સિસ બેન્કના વેલ્યુઅર)અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2020 થી 2021 ના સમયગાળા દરમિયાન સમયાંતરે આરોપીઓ દ્વારા આર્થિક લાભ લેવાના હેતુથી એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ઓછા કેરેટના અને નબળી ગુણવત્તાવાળા સોનાને બેંકમાં લોન લેતી વખતે રજુ કરી અને ત્યારબાદ એક્સિસ બેન્ક (દ્વારકા શાખા) દ્વારા જે-તે સમયે નિમવામાં આવેલા વેલ્યુઅર એવા આરોપી અક્ષય ગોરધનદાસ ધાણકએ ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવત્તાનું હોવાનું જણાવી અને ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે લોનધારક આસામીઓ સાથે મિલીભગત કરીને તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ બેંક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યો હતો.
આ પ્રકારે બેંકમાં જુદી જુદી રીતે ગોલ્ડ લોન પેટે કુલ રૂપિયા 97,17,900 ની માતબર રકમ ઉપાડી લઈ, અને એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ 10 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 406, 420, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.


