Mysamachar.in-ભરૂચ:
ઓપરેશન સમયની બેદરકારીઓ અવારનવાર સમાચાર બનતી રહેતી હોય છે અને આ પ્રકારની અમુક બેદરકારીઓ દર્દીના મોતનું અથવા મોટી પરેશાનીનું કારણ બનતી હોય છે. હાલમાં એક કેસમાં, એક મહિલાનું પેટ સિઝેરિયન ઓપરેશન બાદ ફૂલી જતાં, મામલો વળતરની માંગ સુધી પહોંચ્યો છે.
ભરૂચની એક મહિલાનું પેટ ઓપરેશન બાદ ફૂલી ગયું અને તેણીને અવારનવાર પેટનો દુ:ખાવો થતો હતો અને તેથી તેણીએ સોનોગ્રાફી કરાવી તો જાણ થઈ કે, તેણીના પેટમાં કપડાંનો ટૂકડો છે. તેણીએ અગાઉ સિઝેરિયન ઓપરેશન કરાવેલું તે સમયે તબીબી બેદરકારી થયેલી જેને કારણે આમ બન્યું એમ તારણ નીકળતાં મહિલાના પતિએ સિઝેરિયન કરનાર મહિલા તબીબ વિરુદ્ધ વળતરની માંગ કરી, નોટિસ મોકલાવી છે.

આ મામલો ભરૂચના જંબુસરનો છે. જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ હોસ્પિટલમાં તેણીએ પ્રસૂતિ માટે સિઝેરિયન કરાવેલું. અને પ્રસૂતિ બાદ આ સમસ્યાઓ થઈ. આ મહિલા દર્દીનું નામ અમિષા પટેલ છે અને તેણીના પતિનું નામ શૈલેષ જશુભાઈ સોલંકી છે. શૈલેષભાઈ સુરતના અમરોલીમાં રહે છે. પત્ની અમિષા પ્રસૂતિ માટે પિયર આવેલી અને તેણીએ ગત્ સપ્ટેમ્બરમાં જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન મારફતે પ્રસૂતિ કરાવી હતી, ડો. ચાર્મી આહિરે તેણીનું ઓપરેશન કર્યું હતું. મહિલાના પતિએ આ મહિલા તબીબને નોટિસ મોકલાવી છે. અને, જંબુસર પોલીસમાં આ મહિલા તબીબ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ આ મહિલા દર્દીએ આ સંબંધે ઘણી વખત ડો. ચાર્મી આહિરને જાણ કરી હતી પરંતુ મહિલા તબીબે ધ્યાન આપ્યું ન હતું. આખરે આ મહિલાએ પતિ ઘરે આવી સુરતમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ, તેણીના પેટમાં કપડું હોવાની જાણ થઈ. અને તેથી સુરતમાં ફરી ઓપરેશન કરાવ્યા પછી આ મહિલાનો પેટનો દુ:ખાવો દૂર થયો. આ પ્રકરણને કારણે જંબુસર, ભરૂચ અને સુરત પંથકમાં તબીબી બેદરકારીઓ ચર્ચાનો વિષય બન્યો છે.
