Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત વડી અદાલતે એક મહિલાની અપીલ ડીસમિસ કરી નાંખી. આ મહિલાએ પતિની પૈતૃક સંપત્તિઓ પર દાવો કર્યો હતો. પરંતુ અદાલતે દર્શાવ્યું કે, પતિની હૈયાતિમાં આ દાવો ચાલી શકે નહીં. વડોદરાની એક મહિલા અને તેણીના પતિ વચ્ચે લગ્ન સંબંધિત કેટલાંક વિવાદો ચાલી રહ્યા હતાં. તે દરમ્યાન પત્નીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો કે, અદાલત એવું ડેકલેરેશન આપે કે, તેણી અને તેણીનો સગીર પુત્ર પોતાના પતિની પૈતૃક સંપત્તિઓ પર અધિકાર ધરાવતા હોય, આ સંપત્તિઓ પૈકી એક પણ સંપત્તિનું તેનો પતિ અન્ય કોઈને હસ્તાંતરણ ન કરે. આ માટે સ્ટેની પણ માંગણી કરવામાં આવી હતી.
મહિલાનો આ દાવો સિવિલ કોર્ટે ફગાવી દેતાં તેણી એપેલેટ કોર્ટ પહોંચી. એપેલેટ કોર્ટે કહ્યું: તમારો સગીર પુત્ર આ અધિકાર ધરાવે છે પણ તમો આ અધિકાર ધરાવતાં નથી. મહિલા વડી અદાલત પહોંચી અને કહ્યું કે, અમો કાયદેસરના પતિ પત્ની છીએ. મારો આ સંપત્તિઓ પર અધિકાર છે. પતિના વકીલે એમ દલીલ કરી કે, હિંદુ સકસેસન એક્ટ અંતર્ગત પત્નીને ક્લાસ વન કાયદેસર વારસદાર લેખવામાં આવતાં નથી. વડી અદાલતે એપેલેટ કોર્ટના આદેશને બહાલી આપી છે.