Mysamachar.in-ગીર સોમનાથ:
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરેથી ઝડપાયેલા રૂ. 350 કરોડના ડ્રગ્સ રેકેટમાં જોડિયા અને જામનગરના શખ્સોના નામો બહાર આવ્યા બાદ, આ પ્રકરણમાં જોડિયા અને જામનગરના, એક મહિલા સહિત વધુ ત્રણની ધરપકડ થઈ છે. જો કે, મુખ્ય સૂત્રધાર જોડિયાનો શખ્સ આફ્રિકામાં બેઠો હોવાનું જાહેર થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દસેક દિવસ અગાઉ ગીર સોમનાથ પોલીસે વેરાવળ બંદરે રૂ. 350 કરોડનું ડ્રગ્સ ઉતારવામાં આવ્યું છે અને 3 ની ધરપકડ કરવામાં આવી છે, એવું જાહેર કરેલું. આ 3 પૈકી 2 શખ્સો જામનગરના બેડેશ્વર અને ગુલાબનગરના હતાં અને એક શખ્સ ઉત્તરપ્રદેશનો હતો. આ વિગતો ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજાએ જાહેર કરી હતી.
ત્યારબાદ, ગીર સોમનાથ પોલીસે એવું જાહેર કર્યું કે, આ ડ્રગ્સનું વેચાણ નેટવર્ક જામનગરના બેડેશ્વરનો અલ્લારખા નામનો શખ્સ સંભાળે છે અને તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. બાદમાં, કાલે બુધવારે એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આ પ્રકરણમાં અન્ય ત્રણની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ પૈકી બે જોડિયાના છે અને એક શખ્સ જામનગરનો છે.

બાદમાં, કાલે બુધવારે મોડેથી એમ જાહેર થયું કે, આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાનમાં બેઠેલાં ડ્રગ્સ માફિયાના ઈશારે ચાલે છે અને આ ષડયંત્ર રાષ્ટ્રવ્યાપી છે. જેમાં જામનગર અને જોડિયાના તત્વોની ભૂમિકાઓ મહત્વની છે. આ પ્રકરણમાં જોડિયાના ઈશા રાવની પત્ની તાહિરા, ઈશા ના પુત્ર અરબાઝ અને ઈશાના જામનગર રહેતાં જમાઈ રિઝવાન તૈયબની પણ ધરપકડ થઈ છે. આ તત્વોએ છેક દિલ્હી સુધી ડ્રગ્સ સપ્લાય કર્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના તાલુકામથક જોડિયાનો ઈશા રાવ ઉર્ફે ઈશાક ઉર્ફે મામો ડ્રગ્સના ઘણાં કેસમાં વોન્ટેડ છે અને પોલીસ કહે છે: આ શખ્સ આફ્રિકામાં વસવાટ કરે છે. તે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે. (આફ્રિકા અને ભારત તથા ગુજરાતના સંબંધો તો સારા કહેવાય છે, આ શખ્સને આફ્રિકાથી અહીં શા માટે લાવવામાં આવતો નથી ?!)
ગુજરાત ATSની ટીમે 8 કિલોગ્રામ ડ્રગ્સ ઓમાનથી વેરાવળ લાવી રાજસ્થાન બિયાવર માર્ગે દિલ્હી પહોંચાડવાના મામલામાં જોડિયાની તાહિરા, તેણીના પુત્ર અરબાઝ અને જમાઈ રિઝવાનની ધરપકડ કરી છે. ATS કહે છે: ગત્ સપ્ટેમ્બર માસમાં ઈશાની સૂચના મુજબ ઓમાનના દરિયામાંથી વેરાવળની એક બોટે ડ્રગ્સની ડિલેવરી લીધી હતી. આ નેટવર્ક પાકિસ્તાનનો મુરતુઝા નામનો ડ્રગ્સ માફિયા ઓપરેટ કરે છે.

તે સમયે હેમ મલ્લિકા-1 નામની વેરાવળની બોટમાંથી આ જથ્થો વેરાવળ ઉતારવામાં આવ્યા બાદ, તાહિરા, અરબાઝ અને રિઝવાને આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવા ગોઠવણ કરેલી. 16-10-2023ના રોજ વેરાવળ બંદરે આ ડ્રગ્સ પહોંચ્યા પછી, ઈશાના ઈશારે આ ડ્રગ્સ રાજસ્થાનના બિયાવર રોડ પરની બીજી ટનલ નજીક મૂકાવી દેવામાં આવ્યું હતું. બાદમાં ઈશાની સૂચના મળતાં જમાઈ રિઝવાન ત્યાં પહોંચ્યો, તેણે પત્ની માસૂમાની મદદથી નજીકમાં ઉભેલા ડ્રગ્સ સપ્લાયર આસિફ સમાના વાહનમાં આ ડ્રગ્સ મૂકાવી દીધેલું. આસિફ આ ડ્રગ્સ લઈ દિલ્હીમાં તિલકનગર પહોંચ્યો, જ્યાં સાઉથ આફ્રિકાના એક ડ્રગ્સ સપ્લાયરને આ ડ્રગ્સ આપવામાં આવ્યું.
ATS દ્વારા તાહિરા, અરબાઝ અને જમાઈ રિઝવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે, આ પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે, તેમને આ ડ્રગ્સના વેચાણના બદલામાં જુદી જુદી આંગડિયા પેઢી દ્વારા રૂ. 26.84 લાખ મળેલા છે. ATS હવે આ રૂપિયા સંબંધે તપાસ ચલાવે છે. આમ આ આખા પ્રકરણમાં ડ્રગ્સનો રૂટ ઓમાન-વેરાવળ-જોડિયા-જામનગર-રાજસ્થાન-દિલ્હી અને સાઉથ આફ્રિકા સમજાઈ રહ્યો છે !!
