Mysamachar.in-ગીરસોમનાથ:
સૌરાષ્ટ્રના સાગરકાંઠે વધુ એક વખત ડ્રગ્સની મોટી ખેપ ઝડપાઈ ગઈ હોવાની જાહેરાત થઈ છે, આ મામલે ગૃહમંત્રીએ પણ ટ્વીટર પર માહિતી આપી, પોલીસને આ કામગીરીઓ બદલ બિરદાવી છે. આ કામગીરીમાં રૂ. 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો અને 9 આરોપીઓ ઝડપાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર જણાવ્યું છે કે, ડ્રગ્સ સામેના અભિયાનમાં ગુજરાત પોલીસને વધુ એક સફળતા મળી છે. ગીરસોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.જાડેજા સહિતની ટીમે વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડો પાડી વેરાવળ પોલીસે રૂ. 350 કરોડની બજારકિંમત ધરાવતાં હેરોઈનનો જથ્થો કબજે કર્યો છે. સ્થાનિક SOGને સાથે રાખી કરવામાં આવેલી આ કામગીરીમાં 9 ખલાસીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે જેમાં 3 મુખ્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

આ દરોડામાં વેરાવળ પોલીસનું SOG તથા NDPSની ટીમ સાથે રહી હતી, કુલ 50 સીલબંધ પેકેટમાં કુલ રૂ. 350 કરોડનું ડ્રગ્સ હોવાની જાહેરાત થઈ છે. ગીર સોમનાથ જિલ્લાની પોલીસ તથા NDPS ટીમના આ સંયુકત ઓપરેશન બદલ ગૃહમંત્રીએ આ કામગીરીને બિરદાવી છે અને ડ્રગ્સ સામેના ગુજરાત પોલીસના અભિયાનનો પુનરોચ્ચાર કર્યો છે.
