Mysamachar.in-અમદાવાદ:
હાલ ફિલ્મ અભિનેતા શાહરૂખખાનના પુત્રનો ડ્રગ્ઝ કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે, આ વચ્ચે અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાં રૂ.25 લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને આવતા બે ઈસમની ધરપકડ કરાઈ છે.મળતી વિગતો મુજબ, ઉચ્ચ અધિકારીઓની સુચનાથી અલગ અલગ ટીમો બનાવી શહેરમાં વેચાતા નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમોને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશી એમ.ડી ડ્રગ્સનો ભાગીદારીમાં ધંધો કરે છે અને જોધપુર રાજસ્થાન ખાતે ડ્રગ્સ લેવા ગયા છે.
આ બંને ઈસમો ડ્રગ્સનો જથ્થો લઈને માઉન્ટ આબુથી એસ.ટી બસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે બંને નાના ચિલોડાથી નરોડા તરફ ઓવરબ્રિજના છેડે ઉતરીને બારેજા જવાના છે. જેથી પોલીસે બાતમીના આધારે ડ્રગ્સના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી લીધા હતા. તાહિર હુસૈનના થેલામાંથી રૂ.25 લાખની કિંમતનું 250 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળીને કુલ 25.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સાથે ડ્રગ્સના કામમાં સંડોવાયેલા તારીક મોહમંદ ફરીદમીયાં નામના વ્યક્તિને પણ પકડી લીધો છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(સી), 20(સી) તથા 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.