Mysamachar.in-ગાંધીનગર:
હવે સૌ બોલે છે ‘મોતનું સિરપ’, 700 સ્થળે દરોડા અને નશાકારક આયુર્વેદિક પીણાંઓની લાખ્ખો બોટલ જપ્ત- ગાઈવગાડીને આવી જાહેરાતો કરવામાં આવે છે, અત્યાર સુધી સરકારી વિભાગો શું કરતાં હતાં ?! રાજયકક્ષાએ આ માટે કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી સૌ હપ્તાખોરીમાં વ્યસ્ત હતાં !!
ગુજરાતમાં નશાનો કારોબાર કોઈ નવી વાત નથી. દાયકાઓથી તમામ પ્રકારના અનિષ્ટો ધમધમી રહ્યા છે, હવે સરકારી વિભાગો પર દબાણ વધતાં અધિકારીઓ ‘અમે કામ કરી રહ્યા છીએ ‘ એવો દેખાડો કરી રહ્યા છે. રાજયની વિધાનસભાની અંદર અને ગૃહની બહાર પણ નશાના કારોબાર મુદ્દે અત્યાર સુધીમાં હજારો વખત રજૂઆતો થઈ છે. પરંતુ અત્યાર સુધી સૌ સુષુપ્ત રહ્યા અને હપ્તાખોરીમાં વ્યસ્ત રહ્યા એ વિષય ચર્ચાઓમાં ચાલી રહ્યો છે.
તાજેતરમાં નડિયાદ અને ખેડા પંથકમાં નશાકારક આયુર્વેદિક પીણું પીવાથી પાંચ યુવાનોના મોત થયા અને અન્ય બે યુવાનોને આ કારણથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, આ બનાવને કારણે સમગ્ર રાજયમાં મોટો ઉહાપોહ મચી જતાં સૌ સંબંધિતો કામ કરી રહ્યાનો દેખાડો કરી રહ્યા છે. કારણ કે હવે આ બધાં સરકારી વિભાગો પર દબાણ વધી ગયું છે. અત્યાર સુધી સૌએ જલસા કર્યા.
સમગ્ર રાજયમાં મેડિકલ સ્ટોરથી માંડીને કરિયાણાની તથા પાન અને ઠંડાપીણાંઓની દુકાનોમાં વરસોથી નશાકારક આયુર્વેદિક પીણાંઓ વેચાઈ રહ્યા છે, લોકો નશો કરી રહ્યા છે. સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત સિરપ, મિથાઈલ અને મોરફિન મિશ્રિત કોડિન સિરપ અને 10 થી 12 ટકા જેટલો પ્રતિબંધિત આલ્કોહોલ ધરાવતાં પીણાંઓ લાંબા સમયથી રાજયમાં બધે જ વેચાઈ અને પિવાઈ રહ્યા છે, એ મુદ્દો પોલીસ (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ), ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા નશાબંધી અને આબકારી વિભાગ- અત્યાર સુધી જાણતાં ન હતાં ?! આ વિભાગોએ ક્યારેય આ બાબતનું દૈનિક અથવા માસિક ઓડિટ કર્યું છે ?! શા માટે નથી કર્યું ?! આ બધાં જ પ્રશ્નો હવે ચર્ચાઓમાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વરસોથી વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, ફરિયાદોનો પડઘો પાડવામાં આવે છે, વિધાનસભાની બહાર પણ લોકો દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આ પ્રકારના નશા મામલે અત્યાર સુધીમાં અસંખ્ય રજૂઆતો અને ફરિયાદો થઈ ત્યારે આ બધાં સરકારી વિભાગો અને તે વિભાગોના મંત્રીઓ શું કરતાં હતાં ?! એવો પ્રશ્ન હવે સૌ જાહેરમાં પૂછી રહ્યા છે.