Mysamachar.in:જામનગર
વર્તમાન સિઝનમાં બિમારીઓના સમાચાર વધુ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. એમાં પણ જામનગર શહેરમાં બાળકોની તબિયત પર વર્તમાન સિઝનની માઠી અસરો જોવા મળી રહી છે. જીજી હોસ્પિટલમાં OPDમાં છેલ્લાં કેટલાંક સમયથી વધુને વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગરમાં પણ ઠંડીનાં સૂસવાટા ફૂંકાઈ રહ્યા છે અને અધૂરામાં પૂરું શનિવારે માવઠું થતાં વાતાવરણ લોકોની તંદુરસ્તીની દ્રષ્ટિએ જોખમી બની રહ્યું છે. વળી આગામી દિવસોમાં વધુ ઠંડી અને વધુ એક વખત માવઠાંની આગાહી પણ કરવામાં આવી રહી છે, રાજ્યનાં 29 જિલ્લાઓમાં માવઠાંની વધતીઓછી અસરો વર્તાઈ રહી છે.
જામનગર શહેરની જ ખાલી વાત કરીએ બાળકો અને વૃદ્ધોની તબિયત પર વર્તમાન સિઝનની માઠી અસરો જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી જીજી હોસ્પિટલમાં OPDમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. લાંબી કતારો જોવા મળી રહી છે. ઘરેઘરમાંથી માંદગીની ખબરો સાંભળવા મળી રહી છે. જીજી હોસ્પિટલમાં સરેરાશ રોજ પુખ્ત વયના લોકોને ઓપીડી માં તપાસવામાં આવી રહ્યા છે જે પૈકી મોટાભાગના દર્દીઓ તાવ, શરદી અને ઉધરસનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પુખ્ત વયના લોકો સાથે બાળકોમાં પણ સિઝનની માઠી અસરો જોવા મળી રહી છે. રોજ સરેરાશ 300થી વધુ બાળકોને જીજી હોસ્પિટલમાં તપાસવામાં આવી રહ્યા છે. 100 જેટલાં બાળકોને તો હાલ જીજી હોસ્પિટલમાં બાળકોનાં વિભાગમાં સારવાર પણ આપવામાં આવી રહી છે.
સરકારી જીજી હોસ્પિટલ ઉપરાંત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. તેમાં પણ સ્વાભાવિક રીતે જ વયોવૃદ્ધ અને બાળ દર્દીઓનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે. ઠંડીની ઋતુમાં માવઠું થવાથી વાતાવરણ વધુ જોખમી બનવા પામ્યું છે. ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતાં વધુને વધુ લોકો બિમારીઓમાં સપડાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલનાં આ આંકડાઓ સત્તાવાળાઓએ જાહેર કરેલાં છે. અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે.