Mysamachar.in:મહેસાણા
આજના સમયમાં દરેક યુવાઓનો હાથમાં સ્માર્ટફોન છે જેમાં આધુનિક કેમેરાઓ પણ છે, જેનો ઉપયોગ કરવા સામે કોઈ વાંધો ના હોય શકે..પરંતુ આ કેમેરામાં સેલ્ફી લેવા માટે કેટલાક યુવાઓ આસપાસની જગ્યા જોયા વિના ગમે ત્યારે સેલ્ફી લેવા લાગે છે કે જેને કારણે ભૂતકાળમાં કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ડેમ સાઈટ કે અન્ય કોઈ સ્થળોએ પગનું બેલેન્સ ના રહેવાથી યુવક યુવતીઓ નીચે પટકાઈ પડતા હોય છે અને કા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બને છે અથવા તો મોતને ભેટે છે આવો જ વધુ એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના આગલોડ ગામે સાબરમતી નદી પાસે સેલ્ફી લેવા ગયેલા બે યુવકનાં નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. એક યુવક સેલ્ફી લેતા સમયે નદીમાં પડી જતાં અન્ય યુવક તેને બચાવવા પડ્યો હતો, પરંતુ તે બચાવી શક્યો નહોતો અને બંનેનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. બંને યુવક અમદાવાદથી ચાંદલાવિધિના પ્રસંગે આવ્યા હતા. વિજાપુર તાલુકાના આગલોડ ગામેં ચાંદલાવિધિમાં અમદાવાદથી આવેલા બે યુવક ગામમાંથી પસાર થતી સાબરમતી નદીમાં સેલ્ફી લેવા માટે ગયા હતા. જ્યારે એક યુવક સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તે અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. એને કારણે તેની સાથે રહેલો યુવક તેને બચાવવા પડ્યો હતો, પરંતુ કમનસીબે તે પણ ડૂબી ગયો હતો.
નદીમાં બે યુવક ડૂબ્યા હોવાની જાણ થતાં ગામના સરપંચ સહિતના લોકો નદી કિનારે દોડી ગયા હતા. પોલીસ અને સ્થાનિક ફાયરબ્રિગેડને જાણ કરાતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ- ઓપરેશન હાથ ધર્યું હતું સ્થાનિક તરવૈયાઓ દ્વારા બે કલાકની શોધખોળ બાદ બંને યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી, અને મૃતક બન્ને અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.