Mysamachar.in-જૂનાગઢ:
જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા વેપારી ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા, ત્યારે સ્ક્રીન ઉપર અંગ્રેજીમાં મેસેજ આવતા અજાણ્યા યુવાનએ લાવો તમને પૈસા ઉપાડી દઉં તેમ કહી છેતરપિંડી કરી હતી. યુવકે વેપારીને વિશ્વાસમાં લઇ પૈસા ઉપાડી એટીએમ કાર્ડ બદલાવી વેપારીના ખાતામાંથી રૂ.30 હજારની રકમ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હતી. આ અંગે વેપારીએ ફરીયાદ કરાતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ શહેરમાં ઢાલ રોડ પર સમોસાની દુકાન ધરાવતા વેપારી મહમદ શેખ ગઈકાલે સાંજના સમયે બાદ બસ સ્ટેન્ડ નજીક આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ટ્રાન્જેક્શન કરી રહ્યા હતા ત્યારેયે સ્ક્રીન ઉપર અંગ્રેજીમાં મેસેજ આવેલો અને પૈસા ઉપડતા ન હતા. ત્યારે ત્યાં પાછળ ઉભેલા એક અજાણ્યા યુવાને કહેલું કે હું તમારી મદદ કરું તમને પૈસા ઉપાડી દઈશ. જેથી મહમદભાઈએ ‘આમા ફ્રોડ બહુ થાય છે, કોઈ ફ્રોડ કરતા નહીં’ તેમ કહેતા અજાણ્યા યુવાનએ હિન્દીમાં કહેલું કે તમે મારા પર વિશ્વાસ રાખો કઈ નહીં થાય.
મહમદભાઈએ વિશ્વાસ કરી એટીએમ કાર્ડ અજાણ્યા યુવાનને આપતા તેણે ચાર હજાર ઉપાડી આપ્યા હતા.જેથી મહમદભાઈ પૈસા ગણતા હતા એ દરમિયાન યુવાને કાર્ડ બદલાવી લીધુ હતુ. બાદ જતા રહ્યા પછી થોડા સમયમાં મહમદભાઈના ખાતામાં ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા. જેમાં અનુક્રમે રૂ.12 હજાર 995, રૂ. 13 હજાર 710 અને 6 હજાર મળી કુલ 32 હજાર જેવી રકમ ઉપડી ગઈ હતી. જેને લઈ મહમદભાઈ બેંકમાં ગયા ત્યારે ત્યાં તેમનું એટીએમ કાર્ડ બદલાઈ ગયાનું અને તેના થકી રકમ ઉપડી હોવાની ખબર પડી હતી. જેથી આ અંગે મહમદભાઈ શેખે છેતરપિંડી અંગે ફરીયાદ કરતા બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી એટીએમના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.