Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભના આ દિવસોમાં 53 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેને કારણે ઠેર-ઠેર ખાના-ખરાબીના દ્રશ્યોનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાનો ઘી ડેમ મંગળવારે આશરે ચારેક ફૂટ જેટલી સપાટીથી ઓવરફલો થતા તેના કારણે ભયાવહ પુર જેવા પાણીમાં આ વિસ્તારમાંથી પસાર થતી અને શહેરને પાણી પુરુ પાડતી વોટર વકર્સની મેઈન લાઈન ધોવાઈ ગઈ હતી.
જે અનુસંધાને જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ ઘી ડેમની મુલાકાત લીધી હતી. સ્થળ પર ચાલી રહેલા લાઈન રીપેરિંગ ના કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. અને આ લાઈન તાત્કાલીક રીપેર થાય તે માટે પાલિકા તંત્ર તથા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં વર્ષ 2010માં પણ ભારે વરસાદના કારણે વોટર વર્કસ વિભાગની આ લાઈન ધોવાઈ ગઈ હતી. જેના કારણે સપ્તાહ સુધી નગરજનોને તરસ્યા રહેવું પડ્યું હતું. ત્યારે આ પરિસ્થિતિનું પુનઃ નિર્માણ થયું છે. આ મુદ્દે સવિસ્તૃત રજૂઆતો બાદ આજની જિલ્લા કલેકટરની મુલાકાત જરૂરથી નગરજનો માટે ફળદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.