Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં પ્રજાપતિ સમાજનું ખુલ્લું સમર્થન પ્રાપ્ત કર્યું છે. આ સમાજ જાહેરમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા નામની સંસ્થા પણ ચલાવે છે. આ સંસ્થાએ વડાપ્રધાનને પત્ર લખી પ્રજાપતિ સમાજને યોગ્ય પદ આપવા માંગ કરી છે.
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના પ્રદેશ પ્રમુખ ઈશ્વર પ્રજાપતિ અને સંગઠન મહામંત્રી વાઘજી પ્રજાપતિએ વડાપ્રધાન પરના આ પત્રમાં ભાજપા, ગુજરાત સરકાર તથા વડાપ્રધાનની પ્રસંશાઓ કરવા સાથે એમ પણ લખ્યું છે કે, ભાજપા દ્વારા પ્રજાપતિ સમાજની સતત અવગણના કરવામાં આવે છે.
આ આગેવાનોએ વડાપ્રધાનને પત્રમાં એવો સવાલ કર્યો છે કે, અમારો સમાજ ભાજપનો અંધભકત હોવાથી અવગણના કરવામાં આવે છે ? શા માટે પ્રજાપતિ સમાજને મહત્વપૂર્ણ પદ આપવામાં આવતું નથી ? શા માટે આ સમાજને રાજકીય ભાગીદારીથી વંચિત રાખવામાં આવે છે ?
વડાપ્રધાન પરના આ પત્રમાં સંસ્થાએ એમ પણ લખ્યું છે કે, હાલમાં અમારાં સમાજની નવી પેઢી અમને સવાલ કરી રહી છે કે, તમે ભાજપમાં જોડાઈને વિધાનસભામાં સમાજ માટે કેટલી ટિકિટ લાવ્યા ? આ ઉપરાંત પત્રમાં એવી ચેતવણી પણ લખવામાં આવી છે કે, જો અમારાં સમાજને ભાજપ દ્વારા મહત્ત્વ આપવામાં નહીં આવે તો, આગામી સમયમાં સમાજ રાજકીય લેવલે વિભાજિત થશે અને અમે અમારી આવનારી પેઢીને શું જવાબ આપીશું ?