Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં એક તરફ મેડિકલ ટુરિઝમ અને ટેલિ મેડિસિન તથા આરોગ્યની આધુનિક સુવિધાઓના અહેવાલો પ્રગટ થતાં રહે છે, બીજી તરફ લાખો ગુજરાતીઓ હોસ્પિટલમાં દાખલ થવા મજબૂર બની રહ્યા છે, એ પ્રકારની સેંકડો બિમારીઓ લોકોને વળગી રહી છે. જો કે બિમારીઓ પાછળના કારણો વિવિધ હોય છે, કોઈ મોટો રોગચાળો નથી.
જાહેર થયેલાં આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 3 વર્ષ દરમ્યાન 36.46 લાખ લોકોએ હોસ્પિટલોમાં દાખલ થવું પડ્યું છે. આ ઉપરાંત જે લોકો વર્ષોથી વિવિધ રોગોની ઘરેબેઠાં દવાઓ લઈ રહ્યા હોય, એમનો આંકડો પણ લાખોમાં હોય શકે છે.
ગુજરાતમાં કેન્સર, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ, થાઈરોઈડ તથા કોલેરા સહિતના પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા લાખોમાં છે. દર વર્ષે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જો કે, આમ છતાં રાજ્યમાં બિમારીઓ અંકુશમાં લઈ શકાતી નથી. પ્રદૂષણ જેવા કારણોસર શ્વસનતંત્રના રોગો પણ પુષ્કળ છે. હ્રદયરોગના દર્દીઓ લાખો છે. જેમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે. આ ઉપરાંત તાવના લાખો કેસ જોવા મળી રહ્યા છે. કેન્સરનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ઘટાડી શકાતી નથી.


























































