Mysamachar.in-અમદાવાદ:
ભારત અને દુનિયા સૌ ડિજિટલ બની ચૂક્યા છે તેને કારણે પ્રચાર પ્રસાર જગતમાં પણ ડિજિટલ સમાચાર અને તેથી ડિજિટલ જાહેરાતોની બોલબાલા છે. તેનો ઉપયોગ કરીને જાહેરાત આપનારા ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી આસાનીથી પહોંચી શકે છે કેમ કે તેમાં માઈક્ર પ્લાનિંગ શક્ય હોય છે અને ખર્ચ પણ પ્રમાણમાં ઓછો. રાજકીય પક્ષો પૈકી ભાજપા આ પ્લાનિંગમાં મહારત ધરાવે છે, તેની પાસે અચરજ થાય એવું મેનેજમેન્ટ છે. નાના નાના જૂથો સુધી તે ઝડપથી અને વ્યાપક રીતે પહોંચી શકે છે.
હાલની લોકસભા ચૂંટણીઓ ડિજિટલ પ્લેટફોર્મ પર જબરદસ્ત રીતે લડવામાં આવી રહી છે. ભાજપા અને કોંગ્રેસ બંને આ માટે મેટા અને ગૂગલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરી રહ્યા છે. બન્ને પક્ષ વીડિયોઝ પર મોટો ખર્ચ કરે છે, ભાજપા પોતાના કુલ ખર્ચ પૈકી વીડિયોઝ માટે આશરે 70 ટકા ખર્ચ કરે છે. કોંગ્રેસ આશરે 79 ટકા રકમ આ માટે ફાળવે છે. ગૂગલ પર ઈમેજની બાબતમાં બંને પક્ષ લગભગ બરાબર છે.
ભાજપાએ 29 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને કોંગ્રેસ દ્વારા રૂ. 21.9 કરોડનો ખર્ચ કર્યો. આ ખર્ચ મેટા તથા ગૂગલ પર થયો. ગૂગલ પર વધુ ખર્ચ કરવામાં આવે છે. ભાજપાની જાહેરાત ID કોંગ્રેસ કરતાં આશરે 32-35 ગણી વધારે છે. કારણ કે નાના નાના જૂથોને ટાર્ગેટ કરવામાં વધુ રસ ધરાવે છે. ગૂગલ પર ભાજપાની જાહેરાત ID 1,06,940 છે જ્યારે કોંગ્રેસ પાસે ગૂગલ પર માત્ર 3,057 ID છે. મેટા પર ભાજપા પાસે 19,992 ID છે જયારે કોંગ્રેસ પક્ષ માત્ર 627 ID અહીં મેટા પર ધરાવે છે.
ભાજપા ડિજિટલ પ્લેટફોર્મ પર ઈમેજ, વીડિયોઝ મૂકવામાં ઘણી એડવાન્સ છે. કોંગ્રેસે માત્ર ફેસબુક અને માત્ર ઈન્સ્ટાવાળી જાહેરાત નથી રાખી. મેટા અને ગૂગલના ગણિત મુજબ, આ બધી વિગતો લોકસભા ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી એટલે કે 16 માર્ચથી 23 એપ્રિલ સુધીનો ડેટા છે. ભાજપાએ 2019માં આ ખર્ચ ઓછો રાખેલો, 2024માં વધારી દીધો. કોંગ્રેસે 2019માં પણ સારો ખર્ચ કરેલો અને 2024માં તો ઓર વધારી દીધો. કોંગ્રેસ ડિજિટલ પ્લેટફોર્મ પર Impression પર વધુ આધાર રાખે છે અને ભાજપાને વીડિયોઝ પર વધુ ભરોસો છે.
ભાજપાનો ચૂંટણીલક્ષી ડિજિટલ વોરરૂમ બહુ આધુનિક છે. કોંગ્રેસ પણ કસોકસ ટક્કર આપી રહી છે. બન્ને પક્ષ ડિજિટલ પ્લેટફોર્મ પર પુષ્કળ ભરોસો અને આધાર ધરાવે છે, ભાજપાનું IT સેલ વધુ સજ્જ છે. સૌ જાણે છે એમ આ યુગ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો છે. જેમાં દિમાગનો અને આર્ટનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય:ગુગલ)