Mysamachar.in-અમદાવાદ:
સરકારે તાજેતરમાં GST ના 2 સ્લેબ 12 ટકા અને 28 ટકા નાબુદ કરી દીધાં. 12 ટકાના સ્લેબવાળી અમુક ચીજો 5 ટકાના સ્લેબમાં અને 28 ટકાના સ્લેબવાળી અમુક ચીજો 18 ટકાના સ્લેબમાં, આગામી 22 સપ્ટેમ્બરથી સમાવિષ્ટ થશે, તેથી વપરાશકારોને આ ઘટાડાનો લાભ મળી શકશે.
અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ ટેક્સ ઘટાડાનો લાભ કરદાતાઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવશે કે કેમ ? આ બાબત સુનિશ્ચિત કરવા માટે સરકારે એક વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર તમે 22 સપ્ટેમ્બરથી ભાવોની સરખામણી કરી શકશો. કઈ ચીજોમાં કેટલો ટેક્સ ઘટી ગયો, એ તમે અહીં જાણી શકશો. અને તમને દરઘટાડાનો લાભ આપવામાં આવે છે કે કેમ, તે પણ તમે જાણી શકશો.
savingwithgst.in નામની આ વેબસાઈટ પર તમે વિગતો સર્ચ કરી શકશો. નવા દરનો અમલ 22મી થી શરૂ થઈ જાય પછી તમે પહેલાના અને દરઘટાડા પછીના ચીજોના ભાવની સરખામણી કરી શકશો. અહીં તમે ચીજોની મૂળ કિંમત, વેચાણ કિંમત, વેટ અને જનરલ GST જોઈ શકશો. જેમાં વિવિધ શ્રેણીની ચીજોના 3 અલગઅલગ ભાવ નિહાળી શકશો અને ભાવઘટાડાની જાણકારીઓ પ્રાપ્ત કરી શકશો.