Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તેમજ યાત્રાધામ દ્વારકામાં જિલ્લા પોલીસ દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક કહી શકાય તેટલી 2651 બોટલ રક્ત એકત્ર થયું હતું. ત્યારે આ સેવા પ્રવૃત્તિથી ખંભાળિયા જામનગરની હોસ્પિટલમાં નોંધપાત્ર માત્રામાં રક્તનો પુરવઠો એકત્ર બની રહેતા રાહતની લાગણી જોવા મળી હતી. આ કેમ્પમાં ખંભાળિયામાંથી 1503 અને દ્વારકામાંથી 1148 યુનિટ રક્ત જમા થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા પ્રજાલક્ષી અભિગમ સાથે વધુ એક સામાજિક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શનિવાર તા. 5 ના રોજ ખંભાળિયાના ટાઉનહોલ ખાતે તેમજ દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ તેમજ અહીંની હોસ્પિટલોમાં આવતા દર્દીઓ માટે રક્તનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે અને હોંશભેર ઉમટી પડ્યા હતા.
– વિવિધ સંસ્થાઓનો સહયોગ –
રક્તદાન મારફતે સમાજ ઉપયોગી અભિગમને સાર્થક કરવા તેમજ માનવસેવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ અનુભવી ડો. લક્ષ્મણ કનારા, ડો. પ્રકાશ ચાંડેગરા, ડો. અનુજા તેરાપલ્લી, ડો. નલીન સુમેસરાના વડપણ હેઠળ રક્તદાનની આ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ કેમ્પ માટે જામનગરના જાણીતા સેવાભાવી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનનો પણ નોંધપાત્ર સહયોગ સાંપડ્યો હતો.
-2651 યુનિટ રક્ત એકત્ર: ડોક્ટર, સ્ટાફની ટીમ ખડેપગે –
આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓના નોંધપાત્ર પ્રતિસાદથી ખંભાળિયાના કેમ્પમાં 1503 યુનિટ રક્ત અને દ્વારકા ખાતેના કેમ્પમાંથી 1148 યુનિટ રક્ત મળી ભગવાન શ્રીકૃષ્ણના દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ 2651 યુનિટ બ્લડ એકત્રિત થવા પામ્યું છે.આ રક્તદાન કેમ્પમાં ખંભાળિયા તેમજ દ્વારકા ખાતેના કેમ્પોમાં ખંભાળિયા, જામનગર તથા અમદાવાદની કુલ 3 જનરલ હોસ્પીટલ તથા 4 બ્લડ બેંકોના 11 ડોકટરની કુલ 8 ટીમો કાર્યરત રહી હતી. જેમાં અનુભવી ડોકટર્સ મળી કુલ 126 જેટલા મેડીકલ સ્ટાફે સતત ખડેપગે રહી અવિરતપણે પોતાની સેવાઓ પુરી પાડી હતી.
–રક્તદાતાઓ, સેવાભાવીઓનો આભાર વ્યક્ત કરતા એસ.પી –
આ મહા રક્તદાન કેમ્પમાં સહભાગી થનાર તમામ રક્તદાતાઓના યોગદાન અને આ સમાજ ઉપયોગી સેવા પ્રવૃત્તિમાં સહભાગી થનારા રક્તદાતાઓ સહિત તમામ લોકોનો જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આભાર વ્યકત કરી તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી યોજવામાં આવેલ સમાજસેવાના ઉમદા કાર્યને મહાનુભાવો, અલગ અલગ સમાજના આગેવાનો, સરકારી- બિન સરકારી સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના લોકો આવકારવામાં આવ્યું છે.