Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જીલ્લાની જેમ દિવસે ને દિવસે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે, અને હોસ્પિટલોમાં ખાટલા સહિતની સુવિધાઓ ખૂટવા લાગતા કોરોના દર્દીઓ માટેની સુદ્રઢ વ્યીવસ્થાવ થાય તે માટે દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લાના પ્રભારીમંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને સર્વેની કામગીરીથી કોરોના દર્દીઓ મળે તેમને દરેક પ્રકારની આરોગ્યની માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે તાકીદે આયોજન કરી વ્યરવસ્થા કરવા મંત્રી જવાહર ચાવડાએ સુચના આપી હતી. ઓકસીજનનો પુરવઠો પુરતો મળી રહે, આરોગ્યકેન્દ્ર અપગ્રેડ કરવામાં આવે અને આરોગ્ય કેન્દ્રોમાં જ પ્રાથમિક સુવિધાઓ સાથે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ઉપરાંત જનરલ હોસ્પીટલમાં કોરોના દર્દી માટે બેડ વધારવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓને સારવારમાં ખુટતી કડીઓને જોડી દર્દીઓની સારવાર સુવ્યસ્થિત થાય તે રીતે આયોજન કરવા આરોગ્ય તંત્રને મંત્રીએ સુચના આપી હતી.
મંત્રીએ રેમડેસીવીર ઇન્જેકશનનો પુરવઠો જળવાઇ અને જરૂરીયાતવાળા દર્દીને મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. સાંસદ પુનમબેન માડમે દેવભુમિ દ્વારકામાંથી કુંભ મેળામાં ગયેલા વ્યક્તિઓના સર્વે કરી અને આવી વ્યક્તિઓની માહિતી મેળવી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવી અને નેગેટીવ આવ્યા બાદ જ ઘરે જાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવા જણાવ્યું હતું. તેમજ જામનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે એક લેબ આપવાની જાહેરાત કરી છે તેમ સાંસદને જણાવ્યું હતું. આ બેઠકમાં, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લાં વિકાસ અધીકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટર એમ.કે. જાની, જિલ્લા આરોગ્ય અધિકારી સોંદરવા, જનરલ હોસ્પીટલના સુપ્રિન્ટેડેન્ટ મોટાણી, વગેરે હાજર રહ્યા હતા.