Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આરોગ્ય માટે હાનીકારક તમાકુના વેચાણ પર નિયંત્રણ સહિતના નિયમોની અમલવારી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિયંત્રણ સેલની નોંધપાત્ર કામગીરી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોક્કસ જગ્યાએ “ધૂમ્રપાન પ્રતિબંધ વિસ્તાર” અંગેના સાઈન બોર્ડ, તમાકુ વેચાણ કરતાં સ્થળોએ યોગ્ય જાહેરાત, 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું નહીં તેવા બોર્ડ, શૈક્ષણિક સંસ્થાઓની 100 વાર જગ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ વિગેરે બાબત અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ શાખા હેઠળના તમાકુ નિયંત્રણ સેલના કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી.
આ ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ કરવામાં આવેલી કામગીરી સંદર્ભે ફેઇથ ફાઉન્ડેશન-વડોદરા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને COTPA (સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ) હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા તથા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સુતરીયા દ્વારા તમાકુ નિયંત્રણ સેલની કામગીરી સંભાળતા સોશિયલ વર્કરને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.