Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.આર.બી.સુતરીયાની એક યાદીમાં જણાવ્યા અનુસાર કોવિડ વેકસીન માટે પાત્રતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તેવા અભિગમ સાથે સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોવિડ-19 વેકસીનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયત કરેલ રસીકરણ કેન્દ્રો ખાતે લોકો રસીકરણ કરાવી રહ્યાં છે, પરંતુ રસીકરણ માટે રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવા અસક્ષમ હોય એવા વરિષ્ઠ નાગરીકો, બિમાર, અશક્ત, દિવ્યાંગ નાગરીકોનો ઘરે બેઠા કોરોનાની રસી લઈ શકે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જેના માટે જે તે વિસ્તાર ગામના આરોગ્ય કર્મચારી, આશાબહેન, આંગણવાડી કાર્યકર, શિક્ષક પૈકી કોઈ પણને જાણ કરી શકાશે અથવા ખંભાળીયા તાલુકામાં મો.નં. 97277 69917, કલ્યાણપુર તાલુકામાં મો.નં.75678 79255, દ્વારકા તાલુકામાં મો.નં. 99090 45521 અને ભાણવડ તાલુકામાં મો.નં. 75748 27480 હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરી નોંધણી કરાવવાથી શારિરીક રીતે અશક્ત, પથારીવંશ લોકો, દિવ્યાંગો ઘરે બેઠા કોવિડ-19ની રસી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જે અન્વયે 18 વર્ષથી ઉપરની વય જૂથના એવા લોકો કે જે શારિરીક રીતે અશક્ત, પથારીવંશ, દિવ્યાંગ હોય તેમણે કોરોના રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય અથવા કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ 84 દિવસ અગાઉ લીધેલ હોય અથવા કોવેક્શીન રસીનો પ્રથમ ડોઝ 28 દિવસ અગાઉ લીધેલ હોય તેવા પાત્રતા ધરાવતા લોકોએ ઉપર દર્શાવેલ નંબર પર કચેરી કામકાજના દિવસોમાં સવારે 9-00 કલાકથી સાંજે 5-00 કલાક સુધી સંપર્ક કરી રહેઠાણનું પુરુ સરનામું, વેક્શીનનું નામ તેમજ પ્રથમ-બીજા ડોઝની માહિતી અને મોબાઈલ નંબર અચૂક નોંધણી કરાવવાની રહેશે.
જ્યારે આપના વિસ્તાર-ગામમાં રસીકરણ સેશન હોય ત્યારે આપને જાણ કરી રસીકરણ કરવામાં આવશે. જ્યારે પણ આરોગ્ય વિભાગની ટીમ ઘરે રસી આપવા આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ, મોબાઈલ નંબર અને લીધેલ વેક્સીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે. વધુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100 ટકા રસીકરણ માટે શરૂ કરવામાં આવેલ અભિગમમાં જિલ્લાના શારિરીક રીતે અશક્ત, પથારીવંશ, દિવ્યાંગ લોકોને નિઃશુલ્ક વેક્સીનેશનો લાભ મેળવવા માટે જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા દ્વારા અપીલ કરવામાં આવી છે.