Mysamachar.in-સુરત:
ગુજરાતમાં લાંચ લેવાનું પ્રમાણ અતિશય વધી ગયું છે. લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાઈ પણ રહ્યા છે, છતાં આ પ્રકારના તત્ત્વો લાંચ લેતાં ડરતાં નથી, ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.
ACBએ જાહેર કર્યું છે કે, સુરતમાં એક હોટેલ માલિકે ફાયર NOC મેળવવા કોર્પોરેશનમાં અરજી કર્યા બાદ આ મામલો આગળ વધતાં ફાયરવિભાગનો નાયબ ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ આ હોટેલ માલિક પાસેથી રૂ. 1 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો છે.આ લાંચની રકમ ડિવિઝનલ ફાયર ઓફિસર, ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ઝોનલ ફાયર ઓફિસર એમ કુલ 3 વિભાગ વતી માંગવામાં આવી હતી. ઈશ્વર પટેલ નામનો આ અધિકારી સુરત મહાનગરપાલિકામાં 26 વર્ષથી નોકરી કરતો હતો.
આ ઉપરાંત લાંચના અન્ય એક કેસમાં એક સર્કલ ઓફિસર ઝડપાઈ ગયો છે. જે સુરતની ઉધના મામલતદાર કચેરીમાં નોકરી કરે છે. કે.બી.ડાભી નામનો આ અધિકારી પોતાની જ ચેમ્બરમાં રૂ. 10,000ની લાંચમાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનમાં અગાઉના માલિકોના નામોની કાચી નોંધ પાડી દેવાના કામના બદલામાં આ લાંચ લેવામાં આવી હતી.





















































