Mysamachar.in-અમદાવાદ:
ઘણી બધી ખબરોમાં વાંચવા મળતું હોય છે કે, ફલાણા મામલામાં 34 વર્ષ બાદ ચુકાદો, આરોપીને અઢી વર્ષની સજાનો હુકમ અથવા એમ સંભળાતું હોય છે કે, 28 વર્ષ અગાઉના આ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ અથવા આરોપી કે આરોપીઓનો છૂટકારો- આ પ્રકારના અદાલતી ચુકાદાઓ આવવા સુધીમાં, ઘણાં બધાં વર્ષો પસાર થઈ ગયા હોય છે, જેને કારણે લોકો અનુભવે છે કે, ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. અને લોકો એવી પણ પ્રતિક્રિયાઓ આપતાં હોય છે કે, આ પ્રકારની સિસ્ટમનો મતલબ શો ?!
પરંતુ આગામી સમયમાં આ ઘોર વિલંબ અદ્રશ્ય થઈ જશે, ચોક્કસ સમયસીમા ઉર્ફે ટાઈમફ્રેમમાં ફોજદારી ફરિયાદો અને કેસોનો નિકાલ થઈ જશે- આ મતલબની ખાતરી અમિત શાહે અમદાવાદમાં ઉચ્ચારી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં આયોજિત 11,300 વકીલોના સામૂહિક શપથ સમારોહમાં આ વાત કરી રહ્યા હતાં.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના યજમાનપદે અડાલજ દાદાનગરના કન્વેશન સેન્ટરમાં કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું: દેશભરમાં પોલીસકેસના ઝડપી નિકાલ માટે સમયસીમા નક્કી કરવામાં આવશે. આ સમયસીમા બે વર્ષ બાદ અમલમાં મૂકી દેવામાં આવશે. હાલ સરકાર આ દિશામાં કામ કરી રહી છે અને આગળ વધી રહી છે. એમણે જણાવ્યું: પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થાય અને ત્યાંથી માંડી કેસ સુપ્રિમ કોર્ટ સુધી જાય તો પણ, 3 જ વર્ષમાં આખરી ચુકાદો આવી જાય, એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા કેસની ટાઈમફ્રેમ નક્કી થશે. આ કાર્યક્રમમાં અમિત શાહે એમ પણ કહ્યું કે, વકીલાતનો વ્યવસાય પવિત્ર વ્યવસાય છે. આ વ્યવસાયમાં જો ચૂક થઈ જાય તો, કોઈના જીવનને મોટી અસર થતી હોય છે. આ કાર્યક્રમમાં તેમણે અન્ય કેટલાંક મુદ્દાઓ અંગે પણ ભાષણ આપ્યું હતું.