Mysamachar.in-મોરબીઃ
મોરબી જિલ્લાના ટંકારામાં એક પિતાની નિર્મમ હત્યા કરવામાં આવી જેની દીકરીના 10 દિવસ પછી લગ્ન થવાના હતા, હત્યાથી ખુશીનો માહોલ શોકમાં ફેરવાય જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પિતા પાસે દીકરીના લગ્ન માટે પિતા પાસે રોકડ હતી, જેની લૂંટ ચલાવવા માટે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વિગત પ્રમાણે ટંકારાના સાવડી ગામે વાડીનું રખોપુ રાખવા માટે 62 વર્ષિય ઘેલાભાઇ ચૌહાણ રાત્રે ખેતરે જ રોકાતા હતા. રાબેતા મુબજ બુધવારે પણ ખેતરે રાતવાસો કરવા ગયા હતા પરંતુ બીજા દિવસે સવારે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ખેતરે પહોંચ્યા હતા જ્યાં ઘેલાભાઇ મૃતઅવસ્થામાં મળી આવતા દોડધામ મચી હતી. બાદમાં તુરંત ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું કે ઘેલાભાઇના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા, જેના પરથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી બાદમાં મૃતદેહને રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હત્યા થયાનું સ્પષ્ટ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતક ઘેલાભાઇના પુત્રએ હત્યાની ફરિયાદ દાખલ કરાવી હતી, તો ઘેલાભાઇની દીકરીનું જામનગર વેવિશાળ થયા બાદ 8 ડિસેમ્બરે લગ્ન યોજાનાર હતા. પરિવારજનોનું કહેવું છે કે ઘરનો વ્યવહાર ઘેલાભાઇ પાસે હતો, જેથી તેમની પાસે સવા લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ હતી. આથી રોકડ હોવાની શંકાએ લૂંટારૂ ત્રાટક્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી જેના આધારે પોલીસે લૂંટના આધારે હત્યા કરી હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે.