Mysamachar.in-અમદાવાદ:
આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, દરેક લોકોનું કોઈ ને કોઈ પ્લેટફોર્મ પર આઈડી હોય છે પણ કેટલાક એવા તત્વો છે જે યુવતીઓના નામે ફેક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરતા રહે છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં એક સારા ઘરની દીકરીના નામે ફેક આઈડી બનાવી તેને કોલગર્લ તરીકે ચીતરી દેવાનો પ્રયાસ સામે આવતા આ મામલે યુવતીએ પોતાનું ફેક આઈડી બનાવનાર વિરુદ્ધ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગરમાં રહેતી એક યુવતી BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરી 2023માં તે કોલેજમાં તેના મિત્રો સાથે હતી તે દરમિયાન તેને અને તેના મિત્રોને ઇન્સ્ટા આઇડી પર કોઈ અજાણ્યા આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.જેમાં તેની મિત્રના ફોટો મુકેલો હતો. તેમજ ફરિયાદી યુવતીનો ફોટો આઇડીની હાઈલાઈટ સ્ટોરીમાં મુકેલો હતો. જેમાં તેને કોલગર્લ તરીકે દર્શાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ યુવતીએ આ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇડી બાબતે ચેક કરતા તેના બાયોમાં તેનો મોબાઈલ નંબર લખેલો હતો. તેમજ તેના તથા તેના મિત્રોના ફોટા અપલોડ કરેલા હતા. તેમજ કોલેજના દરેક મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી હતી. જેથી ફરિયાદીએ આ ઇન્સ્ટા આઇડીને બ્લોક કર્યું હતું. તેમજ તેના મિત્રોને પણ આઇડી બ્લોક કરી દેવા જણાવ્યું હતું.
ત્યારબાદ ગત મે 2023માં ફરીથી કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટા આઇડી બનાવી હતી. તેમાં પણ ફરિયાદી યુવતી તેમજ તેના મિત્રના ફોટો અપલોડ કર્યા હતા. આ અજાણ્યા આઇડીના ઉપયોગકર્તા જોડે આઇડી ડિલિટ કરવા ચેટ ઉપર જણાવ્યું હતું. ત્યારે તેણે ચેટમાં ફરિયાદીને ગંદી ગાળો તેમજ બીભત્સ ભાષામાં લખાણ લખી મોકલી આપ્યું હતું. જેથી આ અજાણ્યા શખસે જુદા જુદા આઇડી બનાવી યુવતીને બદનામ કરવાના ઇરાદે તેના ફોટા પોસ્ટ કરી બીભત્સ લખાણો લખી હેરાન કરીને હું કોલ ગર્લ છું તેવા પ્રકારના લખાણ લખી યુવતીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કામ કર્યું છે. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.