mysamachar.in-ગીરસોમનાથ:
કોડીનાર નજીક લોહાણા વેપારીની પુત્રીની હત્યા કર્યાનું ખૂલ્યા બાદ અનેક શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરીને હત્યામાં સંડોવાયેલ શકમંદ ૫ થી ૬ યુવકો હોવાના અનુમાનના આધારે તપાસ તેજ કરવામાં આવી છે,તો બીજી તરફ પરિવારની પેનલ પી.એમ.ની માંગણીને ધ્યાનમાં રાખીને મૃતક સગીરાની લાશને પેનલ પી.એમ.માટે જામનગર ખસેડવામાં આવી છે.આ બનાવથી કોડીનારના લોહાણા પરિવારમાં શોકના વાતાવરણ સાથે ભદ્ર સમાજમાં હાહાકાર મચી ગયો છે.
કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય પુત્રી વિમાંશી બે દિવસ પહેલા રાત્રે કોઇને જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગઇ હતી. પુત્રી પરત ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી.
દરમ્યાન ગઈકાલે સવારે મૃતદેહ તેના ઘરથી 2 કિમી દૂર બાપેશ્વર મંદિરની પાછળ જંગલની ઝાડીઓમાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હોઇ તેની સાથેના કોઈએ તેને ઘરેથી બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાના શરીર ઉપર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે અજુગતુ થયાની શંકા પણ સેવાઇ રહી છે. સગીરના મૃતદેહને કોડીનાર હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો, પરંતુ પરિવારજનોએ પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ભોગ બનનાર સગીરાના પેનલ પી.એમ. માટે આજે સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેવામાં પોલીસ દ્વારા પી.એમ.રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી હોય જે બાદ જ હત્યા પાછળ જવાબદાર કારણો બહાર આવશે,તો બીજી તરફ કોડીનારમાં બનેલા બનાવ સામે તપાસમાં ગીરસોમનાથ જિલ્લાની એલ.સી.બી અને એસ.ઑ.જી.ની ટીમને પણ તપાસમાં જોતરવામાં આવી છે.