Mysamachar.in-અમદાવાદઃ
વધી રહેલા મોબાઇલના ઉપયોગના ગેરફાયદા પણ છે, આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને યુવતીઓને ઇન્ટરનેટ પર ખોટી રીતે હેરાન કરવાનું ભારે પડ્યું. અમદાવાદમાં સાયબર ક્રાઇમે એક યુવકની ધપરકડ કરી છે, મૂળ રાજકોટમાં રહેતો આ યુવકે સોશિયલ મીડિયા સાઇડ્સ ફેસબૂક પર ડમી એકાઉન્ટ બનાવી અમદાવાદમાં રહેતી શિક્ષિકાની તસવીરો કોલગર્લ તરીકે દર્શાવી વાયરલ કર્યા હતા. આ વાતની જાણ શિક્ષિકાને થતા તેણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા ગણતરીની કલાકોમાં જ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે ધરપકડ કરાયેલા યુવકનું નામ ઋષિકેશ દવે છે, જે રાજકોટમાં શેર ટ્રેડિંગ પેઢીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે, માત્ર 9 ભણેલા ઋષિકેશ ફેસબૂક પર યુવતીઓના નામે ડમી એકાઉન્ટ બનાવી યુવતીઓ સાથે ચેટિંગ કરતો હતો. આવી જ રીતે તેણે કોમલ પટેલ નામનું ડમી એકાઉન્ટ બનાવી અમદાવાદની એક કિશોરી સાથે ચેટિંગ કરતો હતો, જો કે કિશોરીને શંકા જતાં તેણીએ ઋષિકેશને બ્લોક કરી દીધો. જો કે ઋષિકેશ યુવતીની એક તસવીર સેવ કરી લીધી, આ તસવીરમાં યુવતીની શિક્ષિકા પણ સાથે હતી. પોતાને બ્લોક કર્યાનો ખાર રાખી ઋષિકેશ કિશોરી અને શિક્ષિકાની તસવીર ભાવિક રાઠોડ નામથી એક ડમી ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમાં પોસ્ટ કરી, એટલું જ નહીં આ બંને કોલગર્લની છે તેવું લખી બે મોબાઇલ નંબર સહિતની ડિટેઇલ નાખી દીધી. બાદમાં સમગ્ર હકિકતની જાણ થતાં શિક્ષિકાએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે ઋષિકેશની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.