Mysamachar.in-અમદાવાદ:
ભ્રષ્ટાચાર ગુજરાતની સરકારી કચેરીઓમાં શિષ્ટાચાર છે- આ હકીકત આમ તો ગુજરાતનો એક એક નાગરિક જાણે છે. પરંતુ લાંચ રૂશવત વિરોધી તંત્ર બધી જગ્યાઓ પર પહોંચી શકતું ન હોય, અમુક શહેરોમાં અમુક અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં ઉપરાઉપરી 3 સરકારી અધિકારીઓ લાંચિયા તરીકે જાહેર થઈ જતાં, અન્ય લાંચખોર અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઓ તથા ફફડાટ જોવા મળી રહ્યો છે.
જુદાજુદા જિલ્લાના ACB અધિકારીઓએ 3 લાંચખોર અધિકારીઓને ઝડપી લીધાં છે જેમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ થાય છે. પાલનપુરની નાયબ કલેક્ટર, જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગનો ઈજનેર અને ખેરાલુનો નાયબ મામલતદાર- ACBના સકંજામાં આવી ગયા છે.
પાલનપુર સ્ટેમ્પ ડયૂટી કચેરીમાં નાયબ કલેક્ટર તરીકે નોકરી કરતી અને પદનો દુરુપયોગ કરી નાણાં ઉસેડતી અંકિતા બાબુલાલ ઓઝા નામની મહિલા અધિકારી રૂ. 3 લાખની લાંચમાં ઝડપાઈ ગઈ છે. તેની સાથે, આ જ કચેરીનો પ્લાનિંગ આસિસ્ટન્ટ(ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ)ઈમરાનખાન બિસમિલ્લાખાન નાગોરી પણ લાંચમાં ઝડપાઈ ગયો છે. જે દર્શાવે છે કે, કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં કેવા પ્રકારની લૂંટફાટ ચાલી રહી છે.

તમારે તમારી મિલકતની ખૂટતી સ્ટેમ્પ ડયૂટી ભરવાની થતી હોય, એ રકમ અધિકારીઓ ‘જુદી રીતે’ ગણતરી કરી, રેકર્ડ પર ઘટાડી આપે અને તેના બદલામાં તમારે મિલકતદીઠ અમુક રકમો સંબંધિત અધિકારીઓને લાંચ તરીકે આપવાની રહે. આ પ્રકારના કુંડાળામાં આ અધિકારીજોડી ઝડપાઈ ગઈ.
બીજો મામલો જૂનાગઢના માર્ગ અને મકાન વિભાગનો છે. આ વિભાગની મથરાવટી પણ ક્યારેય સારી રહી નથી. આ કચેરીનો અધિક મદદનીશ ઈજનેર મિલન ગિરીશ ભરખડા રૂ. 18,000ની લાંચમાં ઝડપાઈ ગયો છે. ખેતીની જમીનમાં બાંધકામ માટે રોડથી નિયંત્રણ રેખાનું અંતર દર્શાવતા પત્રકની ખરાઈ માટે તેણે લાંચ મેળવી હતી. મિલન ભરખડા જૂનાગઢના મીરાનગરમાં રહે છે અને આ કચેરી બિલખા રોડ પર આવેલી છે.
લાંચનો ત્રીજો મામલો ખેરાલુનો છે. અહીંનો નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કનૈયાલાલ મહેતા રૂ. 10,000 ની લાંચ લેતો ઝડપાઈ ગયો છે. તે સસ્તા અનાજની દુકાનોના વેપારીઓને નિયમિત રીતે હેરાન કરતો અને ન હેરાન કરવાના બદલામાં આ દુકાનદારો પાસેથી જુદી જુદી રકમોનાં માસિક હપ્તા નિયમિત રીતે ઉઘરાવતો એવું ફરિયાદની વિગતોમાં જણાવાયું છે.
