Mysamachar.in-ભાણવડ:
ભાણવડ નગરપાલિકામાં એક તરફ ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસર અને પ્રમુખના પતિ સહિતના કેટલાક સભ્યો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે શહેરની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે કેવું દુર્લક્ષ સેવાઈ રહ્યું હશે તેનું એક ઉદાહરણ આજે સામે આવ્યું છે, ભાણવડ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના સત્તાપક્ષના સભ્ય હર્ષિદાબેન રાઠોડ આજે એકાએક નગરપાલિકાએ આવી પાલિકા પરિસરમાં જ કચરાનો ડબ્બો ઠાલવતા જોનારાઓ દંગ રહી ગયા હતા હર્ષિદાબેન પાલિકામાં ઉગ્ર ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા છ દિવસથી ઘરે ઘરેથી કચરો ભરવા આવતી નગરપાલિકાની ટીપરવાન છેલ્લા છ દિવસથી આવી જ નથી જ્યારે કે, આ મુદ્દે પાલિકામાં વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં બેહરા તંત્રના પેટનું પાણી પણ નથી હાલતું? ત્યારે આજે નાછૂટકે નઘરોળ તંત્રની આંખ ઉઘાડવા માટે છ છ દિવસથી જમા થયેલો કચરો પાલિકા પરિસરમાં નાખવાની ફરજ પડી છે.
ખુદ સત્તાપક્ષના સતત પ્રજાની વચ્ચે રહેનારા સદસ્યોએ જો તંત્ર પાસે કામ કરાવવા વારંવાર રજૂઆતો કરવી પડે છતાં જ્યાં સુધી આવો ઉગ્ર દેખાવ ન કરે ત્યાં સુધી કોઈ કામ ન થતું હોય તો શહેરની આમ પ્રજાની શું અને કેવા કામો થતા હશે ચુટણીઓ જીતી, હોદા મેળવી વિકાસના કામોના ઓથા હેઠળ શું મલાઈ તારવાતી હશે આવી ચર્ચાઓ પણ થાય છે, પાલિકામાં હાલ ફરજ બજાવી રહેલા ચીફ ઓફિસરે આવતાની સાથે જ મલાઈ લેવાની ટેવ ધરાવતા અમુક પર તરાપ મારતા તેમના વિરુદ્ધ કાવાદાવાઓ થઇ રહ્યા છે, અને પરિસ્થિતિ એવી છે કે, ચીફ ઓફિસરે સતત પોલીસ રક્ષણ લઈ પાલિકામાં ફરજ બજાવી પડી રહી છે. આ ઘટના સમયે પાલિકામાં એક પણ જવાબદાર અધિકારી કે હોદ્દેદારો હાજર ન હતા. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભાણવડ નગરપાલિકા વિવાદોમાં સપડાઈ રહી છે.