Mysamachar.in
કોરોના મહામારીને પાંચ વર્ષ વીતી ચૂક્યા હોય, મોટાભાગના લોકો આ રોગને ભૂલી ગયા છે પરંતુ તાજેતરની સત્તાવાર માહિતીઓ મુજબ, કોરોના આજે પણ મોજૂદ છે અને કેસ પણ નોંધાઈ રહ્યા છે અને કોરોનાને કારણે થતાં મોતના આંકડા પણ નોંધાઈ રહ્યા છે.
સંસદમાં 7 સાંસદ દ્વારા કોરોના સંબંધે જુદાજુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. આ પ્રશ્નોના ઉત્તરમાં સંસદમાં કેટલીક માહિતીઓ આપવામાં આવી. આ તમામ વિગતો દિલ્હી AIIMS અને ICMRના અભ્યાસ તથા સર્વેના આધાર પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ માહિતીઓમાં કહેવાયું છે કે, 12 ડિસેમ્બર સુધીમાં આ વર્ષે દેશમાં કેરળ, દિલ્હી અને ગુજરાતમાં કોરોના કેસ નોંધાયા છે. કેરળમાં 8,751 કેસ, દિલ્હીમાં 4,184 કેસ અને ગુજરાતમાં આ વર્ષે 3,677 કેસ નોંધાયા. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ 3-3 હજાર આસપાસ કેસ નોંધાયા છે. આ વર્ષે કોરોનાથી થયેલાં મૃત્યુનો આંકડો 189 છે.
સંસદમાં સરકારે એ વિગતો પણ આપી કે, યુવાનોમાં હાર્ટએટેકની જે ઘટનાઓ બને છે, તેની પાછળ વેકસિન જવાબદાર નથી. કોરોના મહામારી પછી ગંભીર બિમારીઓ અને તેના કારણે થતાં મોતની સંખ્યા વધી છે. જેના ઘણાં કારણો છે, એ પૈકી એક કારણ કોરોનાની ગંભીર અસરો છે.
અભ્યાસ કહે છે: કોરોનાના ચેપને કારણે હ્રદયની માંસપેશીમાં સોજો, હાર્ટ ફેલ્યોર અને હાયપર ટેન્શનનો ખતરો વધી ગયો છે. લોહીની નળીઓ અને હ્રદય પર કોરોના વાયરસની ઘાતક અસરો થઈ છે.
કોરોના બાબતે તાજા સમાચાર એ પણ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ સપ્તાહમાં જ કોરોના સામે લડવાનો સ્ટ્રેટેજિક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. સંસ્થા કહે છે: કોરોના વાયરસ હાલ સ્વરૂપ બદલી રહ્યો છે. આ વાયરસને હાલ મોનિટરીંગ હેઠળ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, જૂની ગંભીર બિમારીઓ ધરાવતાં દર્દીઓ આ વાયરસ માટે હાઈરિસ્ક ગ્રૂપ જાહેર થયા છે.


