Mysamachar.in:અમદાવાદ
એક તરફ શિયાળો જામી રહ્યો છે, બીજી તરફ અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં વાઈબ્રન્ટ સમિટ અને તે સંબંધિત જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્રીજી તરફ- આગામી મહિનાઓમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી છે- બરાબર ત્યારે જ, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં કોરોનાના આગમનના પડઘમ વાગી રહ્યા છે, જેથી લોકોમાં ઉચાટ શરૂ થયો છે પણ રાજયનું આરોગ્યતંત્ર કહે છે: ગુજરાતમાંથી કોરોના ગયો જ નથી, પાછલાં 6 મહિનામાં રાજયમાં 125 કોરોના કેસ નોંધાયા છે જ !!
પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટની તૈયારીઓ વચ્ચે, 50 વર્ષની બે મહિલાઓ કોરોના પોઝિટીવ જાહેર થઈ. તે બંને દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત આવી છે. તેમની સાથે અન્ય 50 લોકો પણ દક્ષિણ ભારત ગયા હતાં. રાજકોટમાં પણ કેસ નોંધાયાનું બહાર આવ્યું. બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) કહે છે: ચિંતાઓ કરવાની જરૂર નથી પણ સૌએ સતર્કતા દાખવવી પડશે.
દક્ષિણ ભારતના કેરળ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ કોરોનાએ દેખા દીધી. પછી હવે પશ્ચિમ ભારતના ગુજરાતમાં કોરોના કેસ, હવે પૂર્વ ભારતમાં કેસ નોંધાશે ?! લોકો મજાકમાં આમ પણ પૂછી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં રહસ્યમય બિમારી, લોકોના ખાસ કરીને બાળકોના ફેફસાં પર ત્રાટકી રહી છે. આગામી સમયમાં દેશ-દુનિયામાં શું નવા જૂની થશે ?! એવા પ્રશ્નો સર્વત્ર પૂછાઈ રહ્યા છે. જો કે જામનગરથી માંડીને ગાંધીનગર સુધી બધી જ જગ્યાએ તંત્રો સજ્જ છે, પૂર્વ તૈયારીઓ થઇ ચૂકી છે. પરંતુ સૌને કોરોનાનો કડવો અનુભવ એક વખત ભયાનક રીતે થયેલો તેથી સર્વત્ર કોરોના સંબંધિત ગરમાગરમ, ચિંતાપ્રેરક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.