Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારી પોતે શું બોલે છે ? અથવા, લખે છે ? તે અંગે તેઓને ખુદને કાંઈ ખબર નથી, એવું તેઓનાં અત્યાર સુધીનાં નિવેદનો અને જવાબો પરથી સમજાઈ રહ્યું છે ! એક તરફ તેઓ લખે છે : કચરાનાં પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે કામગીરીનાં સુપરવિઝન માટે 3 એસ.એસ.આઈ. મૂકવામાં આવેલાં છે. જેનાં ઉપર ઈજનેરોની સીધી દેખરેખ છે. આ જ અધિકારી આગળ લખે છે – પાર્ટીને વખતોવખત નોટિસો ઈશ્યૂ કરવામાં આવેલી છે.
જે કામ સીધી દેખરેખ હેઠળ થતું હોય, તેમાં નોટિસો શા માટે આપવી પડે ?! સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનું સુપરવિઝન થતું નથી ?! અને પછી આ જ વિભાગ કોન્ટ્રાક્ટર પાર્ટીને બિલોનાં ચુકવણા વખતે પાર્ટીનાં કામને સંતોષજનક લેખાવે છે ! જે પાર્ટીને સોલિડ વેસ્ટ વિભાગે વખતોવખત નોટિસો આપવી પડી હોય, એ કામ સંતોષજનક કેવી રીતે હોય શકે ?! આમ, આ સમગ્ર પ્રકરણમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર પાર્ટી પ્રત્યે ફેવર થતી જોવા મળી રહી છે. અધિકારીનાં નિવેદનો અચરજ પમાડે તેવા છે.