Mysamachar.in-ગાંધીનગર:
ગ્રાહક જાગૃતિ અનુસંધાને ગ્રાહકના દિમાગમાં એવી હવા ભરવામાં આવતી હોય છે કે, ગ્રાહક રાજા છે અને ગ્રાહક સુરક્ષા પ્રત્યે શાસન સંવેદનશીલ તથા કટિબદ્ધ છે. પરંતુ ખુદ શાસકીય આંકડા કહે છે કે, રાજ્યના 33 જિલ્લાઓમાં, 7 કરોડની વસતિ અને 365 દિવસમાં, કામગીરીઓનું માત્ર રેકર્ડ ઉભું કરવા પૂરતી જ કામગીરીઓ થઈ રહી છે. આવડા મોટા રાજ્યમાં રોજ માત્ર 11 કેસ થાય છે, એટલે 3 જિલ્લાઓ વચ્ચે રોજ માત્ર એક જ કેસ અને એ પણ પરચૂરણ કેસ, કોઈ કસૂરવારને કોઈ જ પ્રકારની સજા નહીં. ગ્રાહક રાજા છે કે બિચારો ?!
શાસન કહે છે: 2025 દરમ્યાન રાજ્યમાં કુલ 4,254 કેસ કરવામાં આવ્યા અને આ કસૂરવારો પાસેથી રૂ. 1.25 કરોડ માંડવાળ ફી ના વસૂલી તમામ કેસ પૂર્ણ કરી દેવામાં આવ્યા. આ સમયગાળા દરમ્યાન તંત્રને કુલ 12,000થી વધુ ફરિયાદ મળી હતી. જેનો એક અર્થ એ થઈ શકે કે, આઠેક હજાર જેટલી ફરિયાદો ‘હકારાત્મક અભિગમ’ શીર્ષક અંતર્ગત ‘સૂલટાવી’ લેવામાં આવી.
શાસકીય આંકડા અનુસાર, વર્ષ 2025 દરમ્યાન 2,500 જેટલી ગ્રાહક સંસ્થાઓને રૂ. 1.19 કરોડથી વધુની નાણાંકીય સહાય આપવામાં આવી એટલે કે આ દરેક ક્લબને સરેરાશ રૂ. 4,760 આપવામાં આવ્યા. આટલી રકમમાં સંસ્થાઓનો વાર્ષિક સ્ટેશનરી ખર્ચ પણ ન નીકળે, આ રકમમાંથી વર્ષ દરમ્યાન આ સંસ્થાઓ ગ્રાહક હિત માટે લડે કેવી રીતે ?
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સામાન્ય વેપારીથી માંડીને સોનાચાંદીના વેપારીઓ અને પેટ્રોલપંપ સુધીના વ્યવસાયોમાં બધે જ ‘તોલમાપ’ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત હોય છે પરંતુ તંત્રના આંકડા પરથી જોઈ શકાય છે કે તંત્રના મતે રાજ્યમાં ‘સબ ચંગા સી’ જેવી સ્થિતિઓ છે. ગ્રાહકોએ ખુદના હિતની રક્ષા માટે હેલ્પલાઇન નંબર 1800-233-0222 યાદ રાખવો જોઈએ અથવા નોંધી રાખવો જોઈએ.
























































