Mysamachar.in-દ્વારકાઃ
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જેમાં દ્વારકાની સીટ પરથી ભાજપના ઉમેદવાર પબુભા માણેકની પણ જીત થઇ હતી, જો કે દ્વારકાના કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી, મેરામણ ગોરિયા તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પબુભા માણેકે જે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમાં વિધાનસભા બેઠકનુ નામ અને નંબર દર્શાવ્યા ન હતા. આ સમયે, રિટર્નિંગ ઓફિસરે વાંધો ઉઠાવ્યો હતો, જો કે, બાદમાં પબુભા માણેકના ઉમેદવારી ફોર્મને માન્ય રાખ્યું હતું. પરંતુ સુનાવણી બાદ, હાઈકોર્ટે પબુભા માણેકની ચૂંટણીને જ રદ કરી દીધી હતી.
ચૂંટણી રદ થતા પબુભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને મોટો આંચકો લાગ્યો અને હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો નથી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ અરજી પર અંતિમ નિર્ણય આવે નહીં, ત્યાં સુધી દ્વારકા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવી નહીં. હવે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે દ્વારકા બેઠક પર તેઓ માત્ર પાંચ હજાર મતથી જ હાર્યા છે, જો વિજેતા ઉમેદવારનું ફોર્મ રદ થાય તો બીજા નંબર પર રહેલા તેઓને વિજેતા જાહેર કરવામાં આવે. મેરામણ ગોરિયાની આ અરજી પર સુપ્રીમ કોર્ટે પબુભા માણેકની અપીલ સાથે માર્ચ મહિનામાં સાંભળવાની મંજૂરી આપી છે. ત્યારે હવે માર્ચમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્પષ્ટ થશે કે દ્વારકાની આ સીટ કોંગ્રેસને મળશે કે ભાજપને.