Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં બધી જ સરકારી સેવાઓનું આમ ધીમે ધીમે પણ આમ ઝડપથી ‘ખાનગીકરણ’ થઈ રહ્યું છે, જેમાં હવે ST વિભાગનું ખાનગીકરણ ઝડપથી થશે, ખાનગી બસ ઓપરેટરો સાથે નિગમ ‘વાતચીત’ ચલાવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં શહેરી સિટી બસ સેવાનું ખાનગીકરણ થયું એ બાબત ST નિગમને પણ લલચાવી રહી છે. ST નિગમે ખાનગીકરણના ભાગરૂપે પ્રથમ પ્રીમિયમ વોલ્વો બસ સેવાઓ ખાનગી બસ ઓપરેટરોને સોંપી. એમાં મજા આવી રહી છે. STમાં નવી ભરતીઓ કરવી પડતી નથી. જૂના કર્મચારીઓ નિવૃત થઈ રહ્યા છે. પગારબોજ ઘટી રહ્યો છે. સાથેસાથે STએ નવી બસો જાતે નિર્માણ કરવાનું પણ બંધ કરી દીધું છે.
હવે અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, જે ખાનગી બસ ઓપરેટરો પાસે 32/33 બેઠકોવાળી બસો હશે, તે બસોના ઓપરેટરોને ST નિગમે ‘ધંધો’ ગોઠવવા આમંત્રણ આપી દીધું છે. નિગમની ચાહ એવી છે કે, સમગ્ર રાજ્યમાં અમુક રૂટ પર ખાનગી બસ ઓપરેટરો ભલે બસો દોડાવે. નિગમે નવી ભરતીઓ ન કરવી પડે. આઉટસોર્સથી કર્મચારીઓ મેળવી શકાય, બસ ઓપરેટર બસ આપે અને આઉટસોર્સ કર્મચારીઓ ખાનગી એજન્સીઓ આપે, સંચાલન નિગમ કરે.
સૂત્રના કહેવા મુજબ, ST નિગમે આઉટસોર્સ કર્મચારીઓ ગોઠવવાની પ્રક્રિયાઓ શરૂ પણ કરી દીધી છે. STના તમામ વિભાગોના વડાઓ પાસેથી કર્મચારીઓની બધી જ વિગતો નવેસરથી મંગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના નરોડા ખાતે એસટી બસો બનાવવાનો એશિયાનો સૌથી મોટો વર્કશોપ છે, જેમાં પણ 3 વર્ષથી કાગડા ઉડે છે કારણે નિગમ રેડી બિલ્ટ બસો ખરીદે છે. વર્કશોપના કર્મચારીઓ કામ વિના બેઠાં છે, વારાફરતી નિવૃત થઈ રહ્યા છે.(પ્રતિકાત્મક તસ્વીર)