Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત દેશભરમાં ખાસ કરીને બિહાર વગેરે રાજ્યોમાં બ્રિજ તૂટી પડવાની મોસમ પૂરબહારમાં ખીલી છે, તેમાં કમનસીબે સુરતનો પણ સમાવેશ થઈ ગયો છે. જો કે સુરતના આ બ્રિજ સાથે સંકળાયેલી કંપની માટે આ નવી વાત નથી, થોડાં સમય અગાઉ રાજકોટ હીરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી ગયેલી, આ એરપોર્ટનું કામ પણ આ જ કંપનીનું છે. અને, આ જ કંપની જામનગર જિલ્લામાં પણ અબજો રૂપિયાનો એક પ્રોજેક્ટ પૂર્ણ કરી ચૂકી છે અને હાલ આ પ્રોજેક્ટમાં કંપની ‘નોટું છાપી’ રહી છે.
સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો એલિવેટેડ સ્પાન કાલે મંગળવારે તૂટી ગયો. આ સ્પાન સારોલી-કડોદરા રૂટ પર તૂટી ગયો. જેને કારણે કલાકો સુધી કડોદરા રૂટ પરનો વાહનવ્યવહાર થંભી ગયો. સુરતમાં 3 વર્ષથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલે છે, 3 વર્ષ બાદ તેનું ઉદઘાટન થશે. દિલીપ બિલ્ડકોન નામની કંપની આ કામ સંભાળે છે. હીરાસર એરપોર્ટ પણ આ કંપનીનું નિર્માણ છે. આ જ કંપનીએ જામનગર જિલ્લામાં પણ કામ કરેલું છે.
દિલીપ બિલ્ડકોન નામની આ કંપનીને ભૂતકાળમાં જામનગર જિલ્લાને સાંકળતા જામનગર અને કચ્છને જોડતાં કોસ્ટલ હાઈવેનું કામ આપવામાં આવેલું. આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની કિંમત જેતે સમયે રૂ. 882 કરોડ જાહેર થયેલી. તેમાં જોડિયા-ભાદરા પાટીયા સેકશન અને ભાદરા પાટીયાથી પીપળીયા સુધીના નેશનલ હાઈવે 151 ના કામનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ હાલ પૂર્ણ થયેલો છે અને દિલીપ બિલ્ડકોન નામની આ કંપની અહીં ટોલ વસૂલી રહી છે. ભૂતકાળમાં જામનગર જિલ્લામાં પણ આ કંપની સાથે એક વિવાદ સંકળાયેલો. જો કે, પછી એ વિવાદ શાંત પણ પડી ગયો હતો. આ કંપની મધ્યપ્રદેશની છે અને ભાજપાના એક નેતાની ખૂબ નજીકની હોવાનું માનવામાં આવે છે. આ કંપની ઘણી વખત ગુજરાતમાં પણ વિવાદોમાં આવી છે. શેરબજારમાં કંપનીની પ્રોફાઇલ રિચ છે. એમ પણ કહેવાય છે કે, સુરતની હાલની બ્રિજ તૂટવાની ઘટના પણ હીરાસર એરપોર્ટ ઘટના માફક 36-48 કલાકમાં ઠંડી પડી જશે.