Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ભારતીય તટરક્ષક દળના જહાજ ‘રાજરતન’ દ્વારા 14 સપ્ટેમ્બર 2021ના રોજ સર્વેલન્સ મિશન દરમિયાન ભારતીય જળ સીમામાં ફરી રહેલી ‘અલ્લાહ પાવાવકલ’ નામની પાકિસ્તાની માછીમારી બોટ પકડી લીધી હતી. આ હોડીમાં 12 ક્રૂ સભ્યો સવાર હતા, જેઓ પાકિસ્તાની હતા. ભારતીય તટરક્ષક દળના જહાજે કમાન્ડન્ટ ગૌરવ શર્માના કમાન્ડ હેઠળ આ બોટને પડકારી હતી અને હવામાનની કઠીન તેમજ વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ જહાજના જવાનો બોટ પર પહોંચ્યા હતા. આ હોડીને યોગ્ય એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે ઓખા ખાતે લઇ જવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારતીય તટરકક્ષક દળે છેલ્લા ચાર દિવસમાં દરિયામાં ડુબી રહેલી હોડીમાંથી રાત્રિ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા ઓપરેશન હાથ ધરીને હોડીમાં સવાર સાત માછીમારોના જીવ બચાવ્યા હતા અને અવિરત વરસાદ પડી રહેલા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા HADR પ્રયાસોમાં વધારો કરવા માટે હવાથી ફુલાવી શકાય તેવી છ બોટ પૂરી પાડી છે અને રાહત ટીમો પણ તૈનાત કરી છે.