Mysamachar.in-અમદાવાદ:
મુખ્યમંત્રીના અધ્યક્ષપદે કોઈ કાર્યક્રમ હોય કે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને અથવા જિલ્લાઓમાં પ્રભારીસચિવના અધ્યક્ષસ્થાને કોઈ બેઠક હોય કે પછી પ્રભારીમંત્રીના અધ્યક્ષપદે કોઈ સમીક્ષા બેઠક યોજાઈ જાય- આ બધી જ બેઠકોમાં એક બાબત કોમન હોય છે, અધ્યક્ષપદેથી સૌ સાંભળનારને કામ બાબતે થતી ટકોર. આવી ટકોર શા માટે કરવી પડે છે ? એ પ્રશ્ન મહત્વપૂર્ણ છે.
ગત્ રોજ અમદાવાદમાં ઔડા ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન તેમજ શહેરી વિકાસ વિભાગના મંત્રી વગેરેની ઉપસ્થિતિમાં બધી જ મહાનગરપાલિકાઓ તથા પાલિકાઓને શહેરી વિકાસ સંબંધે ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
જામનગર સહિતની મહાનગરપાલિકાઓને ચેક આપવાના આ કાર્યક્રમમાં CMએ કહેવું પડ્યું કે, રાજ્ય સરકાર નાણાં આપવામાં કયારેય કચાશ કરતી નથી. સાથે સાથે તમામ સંસ્થાઓએ કામોમાં ગુણવત્તા હાંસલ કરવા તથા સ્વચ્છતા જાળવવા સંબંધે ધ્યાન આપવું ઘટે.
આ પ્રકારની બધી જ બેઠકો અને બધાં જ કાર્યક્રમોમાં દર વખતે મોભીઓએ, બેઠકમાં ઉપસ્થિત બધાં જ પદાધિકારીઓ અને અધિકારીઓને આ પ્રકારની ‘ટકોર’ શા માટે કરવી પડે છે ? તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, આ પ્રકારની અગાઉની બેઠક અથવા કાર્યક્રમમાં આપવામાં આવેલી સૂચનાઓ કે કરવામાં આવેલી ટકોરનો કોઈ જ મતલબ રહ્યો નહીં. ટૂંકમાં, શેઠની શિખામણ ઝાંપા સુધી.
અને, વધુ તાર્કિક બાબત એ પણ છે કે, મોભી દરેક બેઠક અને કાર્યક્રમમાં આ જ સૂચનાઓ ફરી ફરી આપે તેનો અર્થ એમ પણ થઈ શકે કે, એમને પણ ખબર છે કે આ સૂચનાઓનો કોઈ જ અર્થ નથી. આ મોભીઓ માત્ર સૂચનાઓ જ આપે છે, પોતાની સૂચનાઓનો અમલ ન થાય તો પણ, મોભીઓ કોઈ જ કસૂરવારો વિરુદ્ધ સૂચનાઓથી આગળ વધીને કોઈ જ કાર્યવાહીઓ કરતાં નથી. બોલનેવાલે ઔર સુનનેવાલે- સભી એક જૈસે. શાસનની હકીકત આ છે ??!


