Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ એક જ વિસ્તારની નોનવેજની એકસાથે સાત સાત દુકાનોને સીલ મારી દેતાં આ ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે અને દોડધામ થઈ ગઈ છે. આ દુકાનોમાં ચિકન અને માછલીનું નિયમ વિરુદ્ધ વેચાણ થતું હોવાની વિગતો ધ્યાન પર આવતાં આ કાર્યવાહીઓ કરવામાં આવી હોવાનું ફૂડ શાખાએ જાહેર કર્યું છે.
મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આજે શુક્રવારે સવારમાં શહેરના ગોકુલનગર વિસ્તારમાં પાણાખાણ નામના પેટાવિસ્તારમાં નોનવેજ ખાદ્ય ચીજોના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કામગીરીઓ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન જાણમાં આવ્યું કે, કેટલાંક ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ જ ન હતાં. ગેરકાયદેસર રીતે આ દુકાનો ધમધમતી હતી. ફૂડ શાખાએ આ દુકાનો સીલ કરી દીધી છે.
ફૂડ શાખાએ જણાવ્યા અનુસાર, ચિકન અને ફીશનું વેચાણ અને સંગ્રહ કરતી નોનવેજની આ દુકાનોમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવતી ન હતી. આથી આ પ્રકારની કુલ 7 શોપ સદંતર બંધ કરાવવામાં આવી છે. આ ધંધાર્થીઓ જ્યાં સુધી લાયસન્સ નહીં મેળવે અને જ્યાં સુધી આ દુકાનોમાં સ્વચ્છતા અને શુદ્ધતાના ધોરણોનું પાલન યોગ્ય રીતે નહીં કરે ત્યાં સુધી આ દુકાનો ખોલી શકાશે નહીં, એવી સૂચનાઓ આપવામાં આવી છે.
ફૂડ શાખાએ ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં બંધ કરાવેલી આ નોનવેજ શોપમાં રઝવી ચિકન/ફીશ શોપ, કિસ્મત ચિકન સેન્ટર, શબ્બીર ચિકન શોપ, હની ચિકન શોપ, કિસ્મત ચિકન શોપ, SKK ચિકન શોપ અને ન્યૂ બોમ્બે બિરીયાની નામની દુકાનોનો સમાવેશ થાય છે. ફૂડ શાખાએ કરેલી આ કામગીરીઓને કારણે આ ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.
