Mysamachar.in-અમદાવાદ:
ક્લાયમેન્ટ ચેન્જ- અત્યાર સુધી આ વિષય માત્ર સેમિનાર અને કાર્યક્રમોમાં જ ચર્ચાતો રહ્યો. હવે આ જલવાયુ પરિવર્તનની અસરો જમીન પર દેખાઈ રહી છે. આ વર્ષે ક્લાયમેન્ટ ચેન્જના કારણે રાજ્યમાં ઉનાળો સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો છે- તેમ ખુદ હવામાન વિભાગ કહે છે.
રાજ્યના હવામાન વિભાગે ક્લાયમેન્ટ ચેન્જની અસરોનો અભ્યાસ કરી, સમગ્ર રાજ્ય માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ પણ જાહેર કરી દીધું. હવામાન વિભાગ કહે છે: આ સપ્તાહ દરમિયાન લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણેક ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જો કે એમ પણ કહ્યું છે કે, ત્યારબાદ અમુક સમય સુધી હવામાન ફ્લેટ રહેશે. તાપમાનમાં મોટો વધારો નહીં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સવાર-સાંજ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે રાજયનું મહત્તમ તાપમાન 33 થી 37 ડિગ્રી જેટલું થઈ જાય છે. રાજકોટ સૌથી વધુ ગરમ શહેર તરીકે નોંધાઈ રહ્યું છે, જ્યાં મહત્તમ તાપમાનનો આંક 37 ડિગ્રી પાર કરી જાય છે. જામનગરમાં લઘુતમ તાપમાન 18-20 ડિગ્રી આસપાસ અને મહત્તમ તાપમાન બપોરના સમયે વધીને 33 ડિગ્રી નોંધાઈ રહ્યું છે.(symbolic image)