mysamachar.in-જામનગર
ધ્રોલ ખાતે ગઈકાલે ભરવાડ અને મુસ્લિમના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં વાતાવરણ તંગ બનતા જામનગરથી વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી,ગઈકાલે ભારે ઉગ્ર વાતાવરણ વચ્ચે મામલો વધુ ગંભીર બને તે પહેલા પોલીસે અટકાયતી પગલા ભરીને ધરપકડોનો દૌર આરંભ્યો હતો, દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.સી. વાધેલાને આ મામલે બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેની જગ્યાએ સિક્કાથી પી.એસ.આઈ વી.કે. ગઢવીને મુકવામાં આવ્યા છે,
આ બનાવમાં કાદર ઉર્ફે ઓઢિયો જુમ્માભાઈ જુનેજા ડફેર અને ગુલમામદ ઉપર ખૂની હુમલો કરનાર અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કારાભાઇ વરુ, માવાપરના ગોકળ વરુ સહીત 17 ભરવાડ શખ્સો સામે 307, 120 બી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે જયારે માંડા સીંધભાઈ વરુએ મુના બસીર સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે એમ આ મામલામાં બખેડો કરનાર બંને જૂથની સામસામી ફરિયાદો ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે,
જાણકાર સુત્રોમાંથી મળતી વિગત મુજબ તંત્રની મીઠી નજર હેઠળ ધ્રોલ-જોડિયા તાલુકામાં રેતી ચોરીનું દુષણ છેલ્લા ઘણા સમયથી વધ્યું છે,અને ગોકળ વરુએ તો મુખ્યમંત્રી કાર્યાલય ખાતે થોડા સમય પહેલા રેતી ચોરી મુદ્દે આપધાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલ કારાભાઇ વરુ ઉપર પણ રેતીનાં કારણેજ ફાયરિંગ થયેલ હતું,આમ આ બનાવમાં ક્યાંક ને કયાંક રેતીનો મુદ્દો કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે,
બે કોમનો મુદ્દો બનાવીને ખાર ઉતારવામાં આ હુમલો થયાનું ચર્ચાઈ રહ્યું છે,પણ ખરેખર કારણ કઈક જુદું જ છે,આ વિસ્તાર રેતી ચોરીને લઈને દિવસે ને દિવસે બદનામ થઇ રહ્યો છે છતાં પણ તંત્ર શા માટે પગલા લેવામાં લાજ કાઢી રહ્યું છે તે પણ એક પ્રશ્ન છે જો આ વિસ્તારમાં રેતીચોરીના દુષણ ને ડામવામાં નહિ આવે તો આવી જૂથ અથડામણો દિવસે ને દિવસે સામાન્ય બનતી જશે.