Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં જુદા-જુદા કારણોસર શિક્ષણનો વિભાગ ‘કાયમ’ ચર્ચાઓમાં રહે છે, રાજ્યનો શિક્ષણ વિભાગ કોઇ ને કોઈ બાબતે સમાચારોમાં સતત ચમકતો જોવા મળે છે. આ વિભાગનું કામ પણ ટનાટન નથી તેવું લાગે છે આમ આ મહત્વપૂર્ણ વિભાગમાં હંમેશા લોચા જોવા મળતાં રહે છે !
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ પણ આ વિભાગમાં વધુ એક બેદરકારી સામે આવી છે. વર્તમાન શૈક્ષણિક વર્ષનું બીજું શૈક્ષણિક સત્ર ગત્ તારીખ 6 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. આજે આ વાતને એક મહિનો અને ચાર દિવસ થઈ ગયા, હજુ સુધી ધોરણ 1 તથા 2 ના લાખો વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવાના થતાં અભ્યાસક્રમના પાઠય પુસ્તક (સ્વાધ્યાયપોથી) આપવામાં આવ્યા નથી ! આ પાઠય પુસ્તકો રાજ્યના પાઠય પુસ્તક મંડળે સમગ્ર શિક્ષા અભિયાન વિભાગ મારફતે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હોય છે, જે હજુ સુધી પહોંચાડવામાં આવ્યા નથી.
આ બાબતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ જણાવ્યું છે કે, ધોરણ 1 તથા 2 માં આ સ્વાધ્યાય પોથી એ જ પાઠય પુસ્તક હોય છે. બીજા સત્રના આ પુસ્તક એક મહિનો ઉપરાંતનો સમય વીતી જવા છતાં ન આવ્યા હોય, હાલમાં બાળકોને શાળાઓમાં પ્રથમ સત્રના અભ્યાસક્રમનું રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ પણ આ હકીકતને સમર્થન આપ્યું છે અને કહ્યું છે, જામનગર જિલ્લામાં ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓ માટેના આ પુસ્તકો આવ્યા નથી, તે વાત સાચી છે.


