Mysamachar.in-ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત વડોદરા સહિતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર જેવી કપરી પરિસ્થિતિઓ હોવાને કારણે મુખ્યમંત્રીએ કાલે બુધવારે સાંજે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને મંત્રીઓ તથા અધિકારીઓને જરૂરી તાકીદ કરી, આ પ્રકારના વિસ્તારોમાં એક્શન પ્લાન લાગુ કરવા આદેશ આપ્યો છે. આ એક્શન પ્લાન આજે ગુરૂવારે સવારથી અમલમાં મૂકવા જણાવાયું હતું.
મુખ્યમંત્રીએ જે એક્શન પ્લાનનો આજથી અમલ કરવા અધિકારીઓને આદેશ કર્યો છે તેમાં, રાહત બચાવ કાર્ય ઉપરાંત લોકોને ફૂડ પેકેટ અને પીવાના પાણીના પાઉચ તથા બોટલો પહોંચાડવા જણાવાયું છે. આ ઉપરાંત લોકોને આરોગ્યરક્ષક દવાઓનું વિતરણ કરવા કહેવાયું છે. સમગ્ર રાજ્યમાં વીજપૂરવઠો પૂર્વવત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં જ્યાં જ્યાં પણ નદીના કાંપ, માટી, ઝાડી, ઝાંખરા ઢસડાઈ આવ્યા છે, વૃક્ષો પડી ગયા છે, તે બધું જ તાકીદે હટાવવા- સાફ કરવા અને તેવા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે જ વરસાદ અને પૂરને કારણે જામનગર અને દ્વારકા સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં લાખો લોકોને નુકસાન સહન કરવું પડ્યું છે. આ તમામ અસરગ્રસ્તોને રોકડ સહાય તેમજ ઘરવખરી સહાય તાકીદે પહોંચાડવા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું છે. લાખો લોકોની અપેક્ષાઓ એવી છે કે, મુખ્યમંત્રીએ કહ્યું એમ આજથી આ એક્શન પ્લાનનો અમલ શરૂ થઈ જાય.